Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

મહા વાવઝોડુ નબળું પડ્યા બાદ સુરત જિલ્લામાં અડધાથી બે ઇંચ વરસાદ

ઉમરપાડા તાલુકામાં બે ઇંચ, માંગરોળ દોઢ ઇંચ તેમજ સુરત શહેરમાં અડધો ઇંચ:

સુરત : મહા વાવાઝોડુ નબળુ પડયા બાદ ભારે પવન સાથે વરસાદની કરાયેલી આગાહી વચ્ચે વિતેલા ૧૪ કલાકમાં સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં બે ઇંચ, માંગરોળ દોઢ ઇંચ તેમજ સુરત શહેરમાં અડધો ઇંચ સહિત તમામ તાલુકામાં કમોસમી વરસાદ નોંધાતા ખેડુતોનું ટેન્શન વધી ગયુ હતુ. જ્યારે નવસારી જિલ્લામાં પણ ગાજવીજ સાથે વરસાદ પડતા ખેડૂતોને નુક્સાન થયું છે.

   ફ્લડ કંટ્રોલના પ્રવકતાના મહા વાવાઝોડુ નબળુ પડયા બાદ સુરત શહેર અને જિલ્લામાં ભારે વરસાદ, પવન ફુંકાવવાની આગાહી કરાઇ હતી. આ આગાહીના પગલે આજે મળસ્કે ચાર વાગ્યાથી સુરત જિલ્લામાં મેઘરાજાનું આગામન થયુ હતુ. ચાર વાગ્યાથી શરૃ થયેલ કમોસમી વરસાદ આજે દિવસના પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે સતત ઓછા વધતા પ્રમાણમાં વરસાદ વરસતો રહયો હતો. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. ખેતરોમાં પાણી ફરી વળતા ખેડુતોનું ટેન્શન વધી ગયુ હતુ. હાલમાં ખેતરોમાં ડાંગરનો પાક તૈયાર થઇને ઉભો છે. કેટલાક તાલુકામાં ડાંગરનો પાક કાપીને ઝુંડામણી માટે તૈયાર થઇ ગયો છે. કેટલાક તાલુકામાં કાપણીની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે ખેતરોમાં પાણી ફરી વળતા ખેડુતોની ચિંતા વધી ગઇ છે. ચાર વાગ્યાથી લઇને સાંજે છ વાગ્યા સુધીના 14 કલાકમાં સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં બે ઇંચ, માંગરોળમાં દોઢ ઇંચ મળીને તમામ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જયારે સુરત શહેરમાં પણ પણ 14 કલાકમાં અડધો ઇંચ વરસાદી પાણી પડયુ હતુ.

(1:56 pm IST)