Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

લાંચની રકમ ફેંકી નાસી છૂટેલા ટીડીઓ તપન ત્રિવેદીના નિવાસ સ્થાને સર્ચ ઓપરેશનઃ કલાર્ક રાજેશ ખોખરીયા રીમાન્ડ પરઃ બેનામી મિલ્કતો અને ભાગબટાઈની વિગતો મેળવવા ધમધમાટ

વડોદરા તાલુકા વિકાસ અધિકારીનું રાજ્યભરમાં ચકચારી લાંચ પ્રકરણઃ પ્રથમ પોસ્ટીંગ જ હતું: ડ્રાઈવરનું નિવેદન નોંધાયું : એસીબીના સ્પેશ્યલ ડાયરેકટર કેશવકુમારના માર્ગદર્શનમાં દિપોત્સવની તહેવારો પૂર્ણ થયે જ તૂર્ત જ રાજ્યભરમાં દરોડાનો દોર ચલાવવામાં આવી રહ્યો છે. કચ્છ બોર્ડર રેન્જના એસીબીના મદદનિશ નિયામક કૃષ્ણકુમારસિંહ ગોહિલ ટીમે પણ પાલનપુરના જિલ્લા સહકારી અધિકારી (ધીરધાર) ગોરધનભાઈ જોશીને રૂ. ૨૨૦૦૦ની લાંચના છટકામાં ઝડપી લીધા બાદ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના ભૂજના સિનીયર કલાર્ક વિજય ભીલને રૂ. ૫૦૦૦ની લાંચ કેટરીંગના ધંધાના લાયસન્સ માટે માંગવાના આરોપસરના છટકામાં ઝડપી લીધા છે. આમ એસીબી દ્વારા ક્રમશઃ તમામ સરકારી ખાતાઓમાં સપાટો બોલાવાય રહ્યો છે

રાજકોટ, તા. ૮ :. વડોદરા તાલુકા પંચાયતના ટીડીઓ (તાલુકા વિકાસ અધિકારી) તપન ત્રિવેદી પોતાના તાબાના જૂનીયર કલાર્ક રાજેશ ખોખરીયા મારફત રૂ. ૧૫૦૦૦ની લાંચ લેવાના મામલે, ટીડીઓને ગમે તે રીતે એસીબી ટ્રેપની શંકા જતા ૧૫૦૦૦ પોતાની ચેમ્બરમાં આવેલ ટેબલ નીચે નાખી દઈ ડ્રાઈવર સાથે કારમાં નાસી છૂટયાના પગલે આરોપી ટીડીઓ તપન ત્રિવેદીને શોધવા માટે એસીબી ટીમો તપન ત્રિવેદીના નિવાસ સ્થાન તથા કલાર્ક રાજેશ ખોખરીયાના નિવાસ સ્થાનની ઝડતી લીધી હતી પરંતુ તેઓનો પત્તો લાગ્યો ન હતો. દરમિયાન એસીબી તપાસમાં તપન ત્રિવેદી પોતાના ડ્રાઈવર સાથે સરકારી કારમાં અનગઢ પહોંચ્યા બાદ ડ્રાઈવરને પરત મોકલી દીધો હતો. એસીબી સૂત્રો એવુ માને છે કે સરકારી કાર છોડી દીધા બાદ તપન ત્રિવેદી પોતાની ખાનગી કારમાં નાસી છૂટયા હોવા જોઈએ.

એસીબી સૂત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ સંબંધક ડ્રાઈવરનું પણ નિવેદન નોંધવામાં આવ્યુ છે. દરમિયાન એસીબીએ ટીડીઓ વતી લાંચ લેનાર રાજેશ ખોખરીયાની ધરપકડ બાદ તેને અદાલતમાં રજૂ કરી રીમાન્ડની માંગણી કરતા અદાલતે એક દિવસના રીમાન્ડ મંજુર કર્યાનું બહાર આવ્યુ છે.

રાજેશ ખોખરીયાની રીમાન્ડ દરમિયાન એસીબી દ્વારા આરોપી તથા ટીડીઓ કે તેના પરિવારના નામે બેન્ક લોકરો છે કે કેમ ? તે બાબતે તપાસ કરવા સાથે બેનામી સ્થાવર મિલ્કતો અંગેની માહિતી પણ રીમાન્ડ દરમિયાન મેળવવામાં આવશે. ટીડીઓ દ્વારા પ્રથમ પોસ્ટીંગમાં જ આ રીતે હિંમતપૂર્વક લાંચની જે રકમો ઉઘરાવાતી તે રકમો અન્ય કયા ઓફિસરોને મળતી ? તે બાબતે પણ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. એસીબીના સ્પેશ્યલ ડાયરેકટર કેશવકુમારના માર્ગદર્શનમાં દિપોત્સવની તહેવારો પૂર્ણ થયે જ તૂર્ત જ રાજ્યભરમાં દરોડાનો દોર ચલાવવામાં આવી રહ્યો છે. કચ્છ બોર્ડર રેન્જના એસીબીના મદદનિશ નિયામક કૃષ્ણકુમારસિંહ ગોહિલ ટીમે પણ પાલનપુરના જિલ્લા સહકારી અધિકારી (ધીરધાર) ગોરધનભાઈ જોશીને રૂ. ૨૨૦૦૦ની લાંચના છટકામાં ઝડપી લીધા બાદ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના ભૂજના સિનીયર કલાર્ક વિજય ભીલને રૂ. ૫૦૦૦ની લાંચ કેટરીંગના ધંધાના લાયસન્સ માટે માંગવાના આરોપસરના છટકામાં ઝડપી લીધા છે. આમ એસીબી દ્વારા ક્રમશઃ તમામ સરકારી ખાતાઓમાં સપાટો બોલાવાય રહ્યો છે. આ ઝુંબેશ યથાવત જ રહેવાની હોવાનું એસીબી સૂત્રોએ અકિલાને જણાવ્યુ છે.

(12:16 pm IST)