Gujarati News

Gujarati News

News of Thursday, 8th November 2018

અમદાવાદમાંથી કર્ણાવતી નામ કરવા માટે કાયદાકીય કાર્યવાહી અંગે વિચારણા ચાલુઃ 2019માં નામ ફરી શકશેઃ વિજયભાઇનો સંકેત લોકસભાની ચૂંટણીમાં વિકાસને બદલે હિન્દુત્વનું કાર્ડ અજમાવવાનો ભાજપનો વ્યુહ સ્પષ્ટ થયો

અમદાવાદઃ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શહેરોના નામ બદલ્યા પછી ગુજરાત સરકારને પણ ત્રણ દાયકા પહેલાંનું વચન એકાએક યાદ આવ્યું છે. અગાઉ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવા અંગે સરકાર વિચારી રહી હોવાનું સ્વિકાર્યા બાદ હવે મુખ્યમંત્રી રૂપાણીએ પણ ખોંખારો ખાધો છે. નવા વરસે અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાના મંદિરે દર્શન કરવા ગયેલ મુખ્યમંત્રીએ નામ બદલવા અંગે આવશ્યક કાનૂની કાર્યવાહી અંગે વિચારણા થઈ રહી હોવાનું સ્વિકાર્યું હતું. તમામ અડચણો દૂર કર્યા પછી 2019માં અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરી શકાશે એવો તેમણે સંકેત આપ્યો હતો.

 

આગામી લોકસભાની ચૂંટણી 2019ના મધ્યમાં યોજાશે. ભાજપ માટે આ વખતે અન્ય રાજ્યોમાં મુશ્કેલ માહોલ છે, તો ગુજરાતમાં પણ 2014ની માફક 26માંથી 26 બેઠક મેળવવી સહેજે ય આસાન નહિ હોય. એ સંજોગોમાં રામમંદિર ઉપરાંત કર્ણાવતી નામકરણ પણ ભાજપના વ્યુહનો હિસ્સો હોઈ શકે છે.

એંશીના દાયકામાં કોંગ્રેસની ચડતી કળા સામે ભાજપને ગુજરાતમાં પગ મૂકવાની ય જગા ન હતી. એ વખતે ભાજપે સૌપ્રથમ વખત હિન્દુત્વનું કાર્ડ ગુજરાતમાં અજમાવ્યું હતું. એ માટે ભાજપે બે મુદ્દા ઊઠાવ્યા હતાઃ કુખ્યાત ડોન અબ્દુલ લતિફની આડમાં કોંગ્રેસ દ્વારા થતું મુસ્લિમ તુષ્ટિકરણ અને અમદાવાદનું નામકરણ કર્ણાવતી કરવું. આ બે મુદ્દા પર ભાજપના આક્રમક પ્રચારને ભારે સફળતા મળી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સત્તા ભાજપના હાથમાં આવી હતી. ત્યારથી ગુજરાત એ ભાજપ માટે હિન્દુત્વની લેબોરેટરી ગણાતું રહ્યું છે.

 

(6:26 pm IST)