Gujarati News

Gujarati News

News of Thursday, 8th November 2018

રાજ્યમાં દિવાળીના તહેવાર પર અનેક શહેરોમાં આગ લાગ્યાના બનાવોઃ લાખોનું નુકશાન

મેમનગર વિસ્તારમાં લાકડાના પીઠામાં આગ લાગી અને બીજી અમરાઈવાડીના કોર્પોરેશનના ગોદામમાં લાગી આગ

અમદાવાદ: દિવાળીના પાવન પર્વ નિમીતે રાજ્યમાં આગ લાગવાના બનાવો સામે આવ્યા છે. અમદાવાદ સહિત રાજકોટ, સુરત, વડોદરા અને રાજકોટના અલગ-અલગ વિસ્તારોમાં આગના બનાવો બન્યા હતા. દિવાળી નિમીતે ફટાકડા ફોડવાના કારણે આગના બનાવો બન્યા હતા. રાજ્યમાં સુપ્રિમ કોર્ટના આદેશનું સરેઆમ ઉલ્લંઘન જોવા મળ્યું હતું અને લોકોએ 10 વાગ્યા બાદ પણ ફટાકાડ ફોડવાનું ચાલુ રાખ્યું હતું.

શહેરના મેમનગર વિસ્તારમાં લાકડાના પીઠામાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ એટલી ભીષણ છે કે, તેના પર કાબુ મેળવવાં માટે 10 ફાયર ફાઈટરની ગાડીઓની મદદ લેવાઈ હતી. આ આગ ક્યા કારણો સર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. જ્યારે શહેરની બીજી તરફ અમરાઈવાડીના લલિતેશ્વર મહાદેવ મંદિરની પાછળ આવેલા કોર્પોરેશનનાં ગોદામમાં ફટકડાના તણખાના કારણે આગ લાગી છે. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર ફઈટરની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે અને આગ પર કાબુ મેળવવાંની કામગીરી શરૂ કરી છે.

રાજકોટમાં લાતીપ્લોટ વિસ્તારની શેરી નંબર 11માં આવેલા ટાયરના ગોડાઉનમાં અચાનક અગમ્ય કારણોસર ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આગ એટલી વિકરાળ હતી કે દૂર-દૂર સુધી ધુમાડાના ગોટા જોવા મળતા હતા. આગને કારણે આસપાસના વિસ્તારમાં નાસભાગ મચી જવા પામી હતી. જો કે ઘટનાની જાણ થતાં જ 4 ફાયર ફાઈટરની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઇ હતી. અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ભીષણ આગને પગલે લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાની શક્યતાઓ સેવાઇ રહી છે. આગનું કારણ જાણી શકાયું નથી.

સુરતના ઉધના ખરવરનગરમાં ઓઇલના ડેપોમાં આગ લાગી હતી. આગ ભયંકર હોવાથી 6 જેટલી ફાયર ફાઈટરની ગાડીની મદદ લેવી પડી હતી. આગ પર ફોમ મારો કરી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આ આગ ફટાકડા ફોડવાને કારણે લાગી હવાનું પ્રથમિક તપાસમાં સામે આવ્યું છે.

(9:33 am IST)