Gujarati News

Gujarati News

News of Saturday, 8th October 2022

પગાર-પેન્‍શન તા. ૧૮મી આસપાસ : દિવાળી સુધીમાં ૪% મોંઘવારી ભથ્‍થુ

તહેવારો અને ચૂંટણીને અનુલક્ષીને ગુજરાતના પ લાખ કર્મચારીઓ અને ૪ાા લાખથી વધુ પેન્‍શનર્સ માટે ખુશખબરના સંકેત

રાજકોટ, તા. ૮ :  રાજય સરકારના કર્મચારીઓ માટે દિવાળી અને ધારાસભાની ચૂંટણીને અનુલક્ષીને પગારને લગતા સારા સમાચારના વાવડ છે. આ વખતે પગાર વહેલો થશે અને કેન્‍દ્રના ધોરણે મોંઘવારી જથ્‍થુ પણ ટુંક સમયમાં જાહેર થાય અને તબક્કાવાર ચુકવણું થાય તેવી શકયતા છે.

નાણા વિભાગના વર્તુળોના જણાવ્‍યા મુજબ જે વર્ષે દિવાળી મહિનાના ઉતરાધમાં હોય તે મહિને પગાર વહેલો કરી દેવામાં આવે છે. પગાર અને પેન્‍શનનું ચુકવણુ સામાન્‍ય રીતે ત્રણ દિવસ ચાલતુ હોય છે. આ વખતે દિવાળી ર૪ ઓકટોબરે છે. કર્મચારીઓ અને પેન્‍શનરોને તહેવારોમાં નાણા ઉપયોગી થાય તે માટે સરકાર વહેલુ ચુકવણું કરવા માંગે છે. ચાલુ મહિનાની તા. ૧૮ ની આસપાસ (સંભવત તા. ૧૭, ૧૮, ૧૯) ના રોજ પગાર અને પેન્‍શનનું ચુકવણું થઇ જશે.

કેન્‍દ્ર સરકારને હમણાં ડી.એ. જાહેર કર્યુ છે. તે મુજબ રાજય સરકારના કર્મચારીઓને પણ ૪ ટકા મોંઘવારી ભથ્‍થુ વધારીને કુલ ૩૮ ટકા કરવાના માર્ગે સરકાર આગળ વધી રહી છે. ચૂંટણીની આચારસંહિતા નજીક છે તેથી દિવાળીના અરસામાં મોંઘવારી ભથ્‍થુ જાહેર થઇ જાય તેવી શકયતા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પ લાખ જેટલા રાજય સરકારના કર્મચારીઓ અને ૪.પ૦ લાખથી વધુ પેન્‍શનર્સ છે. તે બધાને સરકારના નિર્ણયનો લાભ મળશે.D

(3:52 pm IST)