Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

લાછરસ ગામમાં લીકેજ પાણીથી ગંદકીનું સામ્રાજ્ય, રોગચાળાની દહેશતના કારણે સ્વચ્છતા રાખવા આરોગ્ય વિભાગની ટકોર

છેલ્લા ઘણા સમયથી ગ્રામજનો આ લીકેથી થતી ગંદકીથી પરેશાન થતા ગ્રામજનોએ ટીડીઓ ડીડીઓને કરી રજૂઆત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આઝાદીકા અમૃત મહોત્સવ અને ગાંધીજીના જન્મદિન નિમિતે 1 ઓક્ટોબર થી 31 ઓક્ટોબર સુધી દેશમાં સ્વચ્છતા અભિયાન અને ક્લીન ઇન્ડિયા ના અભિયાન ચાલી રહ્યા છે ત્યારે નાંદોદ તાલુકાના લાછરસ ગામના રબારી ફળિયામાં સ્વચ્છતાના ધજાગરા ઉડતા હોય એમ લાગી રહ્યું છે ગામમાં પાણી ની પાઇપ ઘણા સમયથી લીકેજ છે જેનાથી પાણી વહેતા આખા વિસ્તારમાં કિચ્ચડ અને ગંદકી થઇ રહી છે. જેથી લોકો હેરાન થઈ રહ્યા છે,કીચડમાંથી પસાર થતા લોકો પડી રહ્યા છે. કીચ્ચડને કારણે માખી મચ્છરો નો ઉપદ્રવ પણ વધી રહ્યો છે ત્યારે ગામના લોકોએ પંચાયત ને વારંવાર રજુઆત કરવા છતાં કોઈ કામગીરી ના કરતા અંતે ગ્રામજનોએ ટીડીઓ અને ડીડીઓ ને લેખિત રજૂઆત કરી છે. આબાબતે આરોગ્ય વિભાગે પણ પાણીનું જરૂરી કલોરીનેશન અને સ્વચ્છ પાણી આપવા સાથે કોઈપણ જગ્યાએ લીકેજ હોય તો તે લીકેજ અટકાવા અંગે ગ્રામપંચાયતને ટકોર કરી છે.

આ બાબતે ગ્રામજનો એ જણાવ્યું હતું કે આટલું લીકેજ છે જેને રીપેર કરવાથી માત્ર આ ગંદકી દૂર થઇ શકે તેમ છે છતાં આ કામગીરી પંચાયત કેમ કરતી નથી એ સમજમાં આવતું નથી હાલ ગંદકીનું સામ્રાજ્ય ખુબ વધી ગયું છે વહેલી તકે જો આ લીકેજ રીપેર નહિ થયું તો ગ્રામજનો જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવાની તૈયારી બતાવી રહ્યા છે.

(10:27 pm IST)