Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

દાદરા નગર હવેલી લોકસભા બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપ કોંગ્રેસ અને શિવસેનાના ઉમેદવારોએ ફોર્મ ભર્યા

તમામ નવા ચેહરા સાથે પાર્ટીએ પોતાના યોદ્ધાને મેદાનમાં ઉતારતા હવે ચુંટણી જંગ વધુ રોમાંચક બન્યો

દાદરા નગર હવેલી લોકસભા બેઠકની પેટાચૂંટણી ભાજપે મહેશ ગાંવિત, કોંગ્રેસે મહેશ ઘોડી અને શિવસેનાએ મોહન ડેલકરના પત્ની કલાબેન ડેલકરને ટીકીટ આપી છે

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી લોકસભા બેઠકની પેટાચૂંટણીમાં ફોર્મ ભરવાના અંતિમ દિવસે આજે ચિત્ર સ્પષ્ટ થયું છે.ભાજપ,કોંગ્રેસ અને શિવસેનાએ ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું છે.તો તમામ નવા ચેહરા સાથે પાર્ટીએ પોતાના યોદ્ધાને મેદાનમાં ઉતારતા હવે ચુંટણી જંગ વધુ રોમાંચક બન્યો છે.

દાદરા નગરહવેલી કેન્દ્ર શાસિત પ્રદેશ છે.આ પ્રદેશ દેશની રાજધાની દિલ્હી સાથે સીધો જોડાયેલો હોવાથી અહી લેવાતા નિર્ણયમાં ટોચના મોવડી મંડળો સીધા સામેલ હોય છે.ત્યારે ચૂંટણી જાહેર થયા બાદ કોઈ પણ રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા નહતા. જેથી અનેક અટકળો ઉભી થઇ હતી. જોકે 6 તારીખની મોડી રાત્રે ભાજપે પોતાના ઉમેદવારનું નામ જાહેર કર્યું હતું.તો બાદમાં નગરહવેલીના માજી સાંસદ મોહન ડેલકરના પત્નીએ શિવસેનામાંથી ઉમેદવારી નોંધાવી છે.તો આજે સવારે કોંગ્રેસે પણ પોતાના ઉમેદવારનું નામ જાહેર કર્યું છે

દાદરા નગર હવેલીની ચૂંટણીમાં હવે ચહેરા સાથે ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે.જોકે ઉમેદવારોની વાત કરીએ તો સૌથી મજબુત ઉમેદવાર માજી સાંસદ મોહન ડેલકરના પત્ની કલાબેન ડેલકર માનવામાં આવી રહ્યા છે.એટલા માટે નહી કે તે નવો ચહેરો છે.પરંતુ તેમના પતિ મોહન ડેલકર 7 ટર્મથી સાંસદ તરીકે ચુંટાઇ આવ્યા હતા અને અપક્ષથી લઈને રાજકીય પક્ષોમાંથી પણ તેમણે ઉમેદવારી નોંધાવી હતી. જેમાં તેમનો વિજય થયો હતો.જોકે મોહન ડેલકરે મુંબઈની એક હોટેલમાં આપઘાત કર્યો હતો અને તેના પાછળના કારણોને લઈને આ મામલો સમગ્ર દેશમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.

તો બીજી બાજુ નગરહવેલીમાં પણ ડેલકર પરિવારને લોકોની પ્રચંડ સહાનુભૂતિ મળી રહી છે.દાદરા નગરહવેલી આદિવાસી વિસ્તાર છે અને આ વિસ્તારમાં મોહન ડેલકરની લોકચાહના પણ મજબુત રહી હતી.ત્યારે તેનો સીધે સીધો ફાયદો તેમના પત્ની કલાબેનને મળશે એવું ચિત્ર દેખાઈ રહ્યું છે.

કલાબેને B.A. સુધીની અભ્યાસ કર્યો છે. પતિ મોહન ડેલકર સાથે પાર્ટીના હોદ્દેદાર પણ રહી ચુક્યા છે.18 વર્ષથી નવશક્તિ મહિલા સંગઠનની સ્થાપના કરી સુધી આજદિન સુધી તેમનું સંચાલન સફળતાપૂર્વક કર્યું છે. ખાસ કરીને આદિવાસી મહિલાઓના અને શહેરી બંધારણમાં યોગદાન આપ્યું છે. મોહન ડેલકરની ચૂંટણી વખતે છેલ્લા દસ વર્ષમાં જેટલી નગર હવેલીમાં આયોજિત થઇ છે. એમાં નવશક્તિ મહિલા મંડળનું યોગદાન સૌથી વધારે રહ્યું છે. પતિ મોહન ડેલકર હંમેશા રાજકીય સમીકરણોમાં કલાબેનની સલાહ સૂચનો લેતા હતા અને કલાબેન મૂળ વલસાડ જિલ્લાના સુખલા ગામના છે.

 બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી એ પણ નવો ચહેરો મેદાનમાં ઉતાર્યો છે.ભાજપના ઉમેદવાર તરીકે મહેશ ગાંવિત જંગ લડી રહ્યા છે.મહેશ ગાંવિત દાદરા નગરહવેલી જિલ્લા પંચાયતના માજી ઉપપ્રમુખ રહી ચુક્યા છે અને રાજકીય ગતિવિધિથી તે વાકેફ છે.તો સાથે સાથે દાદરા નગરહવેલી પ્રશાસક પ્રફુલ પટેલના વિશ્વાસુ હોવાનું પણ માનવામાં આવે છે.

મહેશ ગાંવિતના રાજકીય ઈતિહાસ ઉપર નજર કરીએ તો મહેશ ગાંવિત દાદરા નગર હવેલીના છેવાડાના ગામ ગણાતું કૌચા ગામના વતની છે.તેમણે ઇન્ડિયન રિઝર્વ બટાલિયનના પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે સેવા બજાવી છે. 14 વર્ષના સેવાકાર્યમાં તેમણે આસામ, નાગાલેન્ડ, મેઘાલય, મણીપુર આંધ્રપ્રદેશ ગુજરાત દમણ અને દીવ માં પોતાની ફરજ બજાવી છે. એ ઉપરાંત દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતમાં પાંચ વર્ષ સુધી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રહી ચૂક્યા છે. જિલ્લા પંચાયતમાં પાંચ વર્ષ સુધી તે શિક્ષા વિભાગના સદસ્ય પણ હતા.

(7:24 pm IST)