Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

સુરતમાં ફરી એક વાર નાઇટ કર્ફયુનું ઉલ્લંઘન અને અશ્‍લિલતાનો નજારોઃ મુંબઇથી મહિલા ડાન્‍સરને બોલાવીને મોડી રાત્રી સુધી ઠુમકાઃ વીડિયો સોશ્‍યલ મીડિયામાં વાયરલ

બાળકોએ પણ ડાન્‍સરોની ફરતે ડાન્‍સ કરતા પોલીસ તપાસનો ધમધમાટ

સુરતઃ સુરતમાં ફરી એકવાર નાઈટ કફર્યૂનું ઉલ્લઘન કરતો એક બર્થ ડે વીડિયો વાયરલ થયો છે. જેમાં આ પાર્ટીમાં મુંબઈથી મહિલા ડાન્સરને બોલાવવામાં આવી હતી અને મોડી રાત સુધી પાર્ટીમાં મહિલા ડાન્સરે ઠુમકા લગાવ્યા હતા જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

આ બનાવની મળતી માહિતી પ્રમાણે, ગુજરાતમાં હાલ કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જેથી સરકાર દ્વારા ઘણી એવી છુટછાટ પણ આપવામાં આવી છે. પરતું હાલ નવરાત્રી હોવાના કારણે રાજયમાં કફર્યૂના સમયમાં થોડી રાહત આપવામાં આવી છે. જો કે, નાઈટ કફર્યૂમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ પણ હાથ ધરવામાં આવી રહી છે અને જે લોકો કાયદાનો ઉલ્લઘન કરતા નજરે ચઢે છે તેઓ સામે કાયદેસર કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે. ત્યારે સુરતમાં એક બર્થ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પાર્ટીમાં નિયમનું ઉલ્લઘન કરતા દેખાઈ રહ્યા છે, આ પાર્ટીમાં એક મહિલા ડાન્સરને મુંબઈથી બોલાવવામાં આવી હતી. ડાન્સરો સાથે પાર્ટીમાં સામેલ યુવકોએ ઠુમકા લગાવ્યા હતા. જોકે, હદ તો ત્યારે થઈ જ્યારે બર્થ ડે પાર્ટીમાં બાળકોને પણ સામેલ કરાયા હતા. બાળકોએ પણ ડાન્સરોની ફરતે ઠુમકા લગાવીને ડાન્સ કર્યો હતો. સમગ્ર હકીકતનો વીડિયો બહાર આવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે.

આ વીડિયો સુરતના ભાગા તળાવના સિંધીવાડ વિસ્તારનો હોવાનું ચર્ચાય છે. બર્થ ડે પાર્ટીમાં કોરોનાના નિયમોના ધજાગરા ઉડાવવામાં આવ્યા છે. બર્થ ડે સેલિબ્રેશનના નામે એક તરફ કરફ્યૂનો અને બીજી તરફ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનો ભંગ કરાયો છે. વીડિયોમાં અશ્લીલતા ઝળકાઈ આવે છે. કેવી રીતે એક પાર્ટીમાં બાળકો અને મહિલાઓને પણ સામેલ કરવામાં આવી છે.

આ પાર્ટી પાંચ દિવસ પહેલા ઉજવાઈ હોવાનું કહેવાય છે. એક છોકરીના જન્મદિવસ નિમિત્તે અહીં મોટો સ્ટેજ બાંધી સેલિબ્રેશનનો કાર્યક્રમ યોજાયો હતો. વીડિયોમાં ઠુમકા મારતા સુકરી અને મીંડી ગેંગના સભ્યો નજરે પડે છે. સાથોસાથ રૂસ્તમપુરાનો નામચીન જાફર ગોલ્ડન પણ આ વીડિયોમાં દેખાય છે.

(4:59 pm IST)