Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

ઓન-લાઇન હયાતીની ખરાઇની પધ્ધતીથી અનેક ગોટાળા : મીસમેચ થતા પેન્શનરો પરેશાન

૧ ઓકટોબરનું પેન્શન ૧ નવેમ્બરએ મળશે : સરકાર યોગ્ય કરે તે જરૂરી

રાજકોટ, તા. ૮ : રાજય સરકારના પેન્શનર સહિતના પેન્શનર કે જેનો તિજોરી કચેરી મારફત જે તે બેન્કમાંથી પેન્શન મેળવે છે. તેઓએ પ્રતિવર્ષ જુલાઈ માસથી હયાતીની ખરાઈ કરવાની  થાય છે. ચાલુ વર્ષે આ મુદત વધારી આપવામાં આવેલ. બેન્ક ઘ્વારા હયાતીની ખરાઈ  સામાન્ય રીતે તિજોરી કચેરી ઘ્વારા મોકલવામાં આવતા મેન્યુઅલ પ્રમાણપત્રથી થતી હોય  છે. ચાલુ વર્ષે બેન્ક ઘ્વારા ખાસ કરીને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયા ઘ્વારા હયાતીની ખરાઈ  ઓન લાઈન કરવાનો દૂરાગ્રહ રાખીને ઓનલાઈન ખરાઈ કરવામાં આવેલ છે.   

અનેક પેન્શનર્સના કિસ્સામાં ખાસ કરીને મહિલાઓ કે જેમના લગ્ન પહેલાના નામે  પેન્શન મંજુર થયેલ હોય અને લગ્ન બાદના નામે આધાર કાર્ડ આવેલ હોય તેવા કિસ્સામાં  મીસમેચ થવાના કારણે હયાતીની ખરાઈ થઈ શકેલ નથી. બેન્કએ પેન્શનર્સને ભોળવીને  ઓનલાઈન ખરાઈ કરાવાતા આવું બનવા પામેલ છે.   

હવે અનેક પેન્શનર્સ જયારે મહિનાની શરૂઆતમાં રકમ ઉપાડ માટે જતાં ખ્યાલ આવ્યો  કે પેન્શન જમા થયેલ નથી. તિજોરી કચેરીમાંથી હયાતીની ખરાઈ નથી થઈ તેવું જણાવી  નવેસરથી હયાતીની ખરાઈની કાર્યવાહી નિયત ફોર્મમાં કરવામાં આવી રહેલ છે .  આવી કાર્યવાહીથી અજાણ અને અભણ પેન્શનરો ખૂબ હેરાન થઈ રહેલ છે. તિજોરી  કચેરીમાં રોજના અનેક પેન્શનર્સ આવી કાર્યવાહી માટે આવી રહયા છે. તિજોરી કચેરી,  રાજકોટનો પેન્શનર્સને મળતો સહકાર પ્રશસંનીય રહેલ છે.   

હયાતીની ખરાઈ થઈ ગયા બાદ પણ હવે આવતા મહિનાની પહેલી તારીખે બે માસનું  પેન્શન જમા થશે તેવું તિજોરી કચેરી ઘ્વારા જણાવવામાં આવે છે.ગરીબ પેન્શનર્સ કે જેને  પેન્શનમાત્ર આવકનું સાધન છે તેના માટે પેન્શન વગર એક માસ કાઢવાનું દુષ્કર બની  જાય તેમ છે.   

ગુજરાત સરકારના નાણાં વિભાગ અથવા તો ડાયરકેકટર ઓફ એકાઉન્ટસ એન્ડ ટ્રેઝરી  આ બાબતમાં રસ લઈને જેમની હયાતીની ખરાઈ થઈ જાય તેવા પેન્શનર્સને તાત્કાલિક  પેન્શન ચુકવણીની ખાસ સૂચના બહાર પાડે તો અનેક પેન્શનર્સને રાહત મળી શકે તેમ  છે. આવો કોઈ નિર્ણય થાય તો તેને મોટો અને સંવેદનશીલ નિર્ણય ગણવાની પેન્શનર્સ  ખાત્રી આપે છે.

(3:02 pm IST)