Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ સામે ચૂંટણી લડનાર ફિરોઝખાન મનપાની ચૂંટણી પણ નહીં લડી શકે

છેલ્લા 14 વર્ષથી મતદાન કરતા ફિરોઝખાન ઉમેદવારીપત્ર ભરવા ગયા ત્યારે ખબર પડી કે મતદારયાદીમાં નામ નથી

અમદાવાદ : ગુજરાતની લોકસભા ચૂંટણીમાં ભાજપના અધ્યક્ષ અમિતભાઈ  શાહ સામે અપક્ષ ઉમેદવારી નોંધાવનાર ફિરોઝખાન પઠાણ હવે મહાનગરપાલિકાની ચૂંટણી નહીં લડી શકે.

2019ની લોકસભા ચૂંટણીમાં ગાંધીનગર લોકસભાની બેઠક પરથી ફિરોઝખાન પઠાણને 1200 મત મળ્યા હતા. આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર અમિતભાઈ  શાહનો વિજય થયો હતો.

2002નાં રમખાણોમાં ટોળાએ અમદાવાદમાં આવેલી ગુલબર્ગ સોસાયટી પર હુમલો કર્યો હતો. આ હત્યાકાંડમાંથી બચી ગયા બાદ ફિરોઝ ખાન અને તેમના ભાઈ વેજલપુર રહેવા આવી ગયા હતા.વેજલપુર ગાંધીનગર લોકસભા બેઠક અંતર્ગત આવે છે અને હાલ તેઓ મહાનગરપાલિકાની ચૂંટણી લડવા માગતા હતા, પરંતુ તેમનું નામ જ મતદારયાદીમાં નથી. લોકસભાની ચૂંટણી લડનારા ફિરોઝ ખાનનું કહેવું છે કે તેઓ હવે અમદાવાદ મહાનગરપાલિકાના બહેરામપુરા વૉર્ડની પેટાચૂંટણી નહીં લડી શકે.

આ મામલે ફિરોઝખાને કહ્યું, "શનિવારે ઉમેદવારીપત્રક ભરવાનો છેલ્લો દિવસ હતો, હું ઉમેદવારી કરવા માટે ગયો. આ સમયે મને ડૅપ્યુટી કલેક્ટર અનસુયા ઝાએ કહ્યું કે તમે જે પ્રમાણપત્ર લઈને આવ્યા છો તે સુધરાઈની યાદી અનુસારનું નથી."

"તેમણે કહ્યું કે આ વેજલપુર વિધાનસભા અને લોકસભા અનુસારનું છે. આ મામલે મેં કાર્યવાહી હાથ ધરી તો મને જાણવા મળ્યું કે મારું નામ જ મતદાર યાદીમાં નથી.

તેઓ ઉમેરે છે, "2002ની કોમી હિંસાની ઘટના બાદ હું વેજલપુરમાં રહેવા આવી ગયો હતો. 2005માં મેં ચૂંટણીકાર્ડ પણ બનાવી લીધું હતું."આ ચૂંટણીકાર્ડમાં વેજલપુરનું જ સરનામું નોંધાયેલું છે. 2010માં મહાનગરપાલિકાની ચૂંટણીમાં મેં મતદાન કર્યું હતું."

"2012માં વિધાનસભામાં મતદાન કર્યું, 2014માં લોકસભામાં મતદાન કર્યું તેમજ 2019ની લોકસભાની ચૂંટણી તો હું લડ્યો હતો.મને એ વાતનું આશ્ચર્ય છે કે હવે હું મહાનગરપાલિકાની પેટાચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી શકું એમ નથી.

(1:49 pm IST)