Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

શ્રીજી ટાવરમાં આગના કેસમાં ૩ શખ્સોના જામીન ફગાવાયા

આગોતરા જામીન ફગાવતા કોર્ટે કડક તારણ આપ્યાઃ નાસભાગની ઘટનાના લીધે લોકોને ઘણી મુશ્કેલીઓ અને પીડાનો સામનો કરવો પડ્યો : કોર્ટ દ્વારા અપાયેલ તારણ

અમદાવાદ, તા.૮: શહેરના ડ્રાઇવઇન રોડ પર આવેલા હિમાલયા મોલની સામે આવેલા શ્રીજી ટાવરમાં તાજેતરમાં જ લાગેલી ભયાનક આગના ચકચારભર્યા કેસમાં બેઝમેન્ટમાં આવેલી હેમંત ટાયર્સના માલિક અશ્વિન મિત્તલ, હિતેશ મિત્તલ અને પરેશ મિત્તલની આગોતરા જામીન અરજી આજરોજ અમદાવાદ ગ્રામ્ય કોર્ટના એડિશનલ સેશન્સ જજ ટી.કે.રાણાએ આકરા વલણ સાથે ફગાવી દીધી હતી. કોર્ટે ત્રણેય આરોપીઓને આગોતરા જામીન આપવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો. એડિશનલ સેશન્સ જજ રાણાએ નોંધ્યું હતું કે, શ્રીજી ટાવરમાં લાગેલી આગ અને તેને પગલે સ્થાનિક રહીશોને જે ભંયકર નાસભાગ, પીડા અને વ્યથાનો ભોગ બનવુ પડયુ તે જોતાં ગુનાની ગંભીરતાં ઘણી વધી જાય છે. આરોપીઓ સામેના ગુનાનો પ્રકાર અને તેની ગંભીરતાં જોતાં તેઓને હાલના તબક્કે આગોતરા જામીન આપી શકાય તેમ નથી. શહેરના ડ્રાઇવઇન રોડ પર આવેલા હિમાલયા મોલની સામે આવેલા શ્રીજી ટાવરમાં તા.૧૭-૯-૨૦૧૮ના રોજ ભીષણ અને વિકરાળ આગ ફાટી નીકળી હતી, જેમાં બેઝમેન્ટમાં આવેલી હેમંત ટાયર્સની દુકાનમાં રહેલા ચાર હજારથી વધુ ટાયરોને લઇ આગે વધુ ભયાનકતા પકડી હતી અને સાતમા માળ સુધી તેની જવાળાઓ પહોંચી હતી. ફાયબ્રિગેડના જવાનોએ કલાકોની ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. જો કે, આ બનાવ અંગે હેમંત ટાયર્સના માલિક અશ્વિન મિત્તલ, હિતેશ મિત્તલ અને પરેશ મિત્તલ વગેરે સામે વસ્ત્રાપુર પોલીસમથકમાં ફરિયાદ નોંધાઇ હતી. જેને પગલે આ ત્રણેય આરોપીઓએ પોલીસની ધરપકડથી બચવા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, જેનો સખત વિરોધ કરતાં ફરિયાદ પક્ષ તરફથી એડવોકેટ મનીષ ઓઝાએ મહત્વની દલીલો કરતાં જણાવ્યું હતું કે, શ્રીજી ટાવરમાં લાગેલી આગની વિકરાળતા અને વધુ પડતી ભયાનકતા માટે બેઝમેન્ટમાં ગેરકાયદે રીતે ઉભી કરાયેલી ટાયરની ઉપરોકત દુકાનનો મોટી જવાબદારી બને છે. આગની આ દુર્ઘટના દરમ્યાન છેક સાતમા માળ સુધી આગની જવાળાઓ પ્રસરી હતી અને સાતમા માળ ઉપર એક બાળકના બંને પગ દાઝી ગયા હતા તો, સ્થાનિક દસથી વધુ મહિલાઓને તાત્કાલિક સમયસર આગની જવાળાઓમાંથી બચાવી લેવાઇ હતી તે જોતાં સમગ્ર ગુનાની ગંભીરતા અને આરોપીઓની બેજવાબદારીની વર્તણૂંકનો ખ્યાલ આવી શકે તેમ છે. આરોપીઓ વિરૂદ્ધ ગંભીર પ્રકારનો ગુનો છે અને જો આ પ્રકારના ગુનામાં આરોપીઓને આગોતરા જામીન આપી દેવાય તો, સમાજમાં અવળો સંદેશો જાય, તેથી કોર્ટે આરોપીઓની આગોતરા જામીનઅરજી ધરાર ફગાવી દેવી જોઇએ. આ દલીલો ગ્રાહ્ય રાખી એડિશનલ સેશન્સ જજ ટી.કે.રાણાએ ત્રણેય આરોપીઓના આગોતરા જામીન ફગાવી દીધા હતા.

(9:46 pm IST)