Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

માતર તાલુકાના લીંબાસીમા ઈનામી ડ્રોની લાલચ આપી 5.44 લાખની છેતરપિંડી આચરનાર દંપતી વિરુદ્ધ ફરિયાદ

માતર: તાલુકાના લીંબાસીના દંપતીએ ઈનામી ડ્રો યોજનાના સભ્ય બનાવી ખેડાના ઈસમ સાથે રૂા. ૫,૪૪,૬૦૦ની છેતરપિંડી કર્યાની ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. 
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ માતર તાલુકાના લીંબાસીમાં રહેતા ચંદ્રકાન્ત મનુભાઈ શર્મા અને તેમની પત્ની આરતીબેને ગત વર્ષ ૨૦૧૫માં શીવમ મિત્ર મંડળના નામે ઈનામી ડ્રો યોજના બનાવી હતી. ચંદ્રકાન્ત શર્માએ મિત્ર મંડળની ઈનામી યોજનાના નામે સભ્ય બનાવી માસિક રૂા. ૧૫૦૦ લેખે ઉઘરાવ્યા હતા. જેમાં મોટી રકમના ઈનામો આપવાની લાલચ આપી ખેડા રોહિતવાસમાં રહેતા ગીરીશભાઈ જયદેવભાઈ રોહિત તેમજ અન્ય મિત્રોની ઈનામી ડ્રોની ટિકિટો આપી સભ્ય બનાવ્યા હતા. આ ઈનામી યોજના પેટે તા. ૯-૯-૧૫ થી તા. ૨૦-૧૨-૨૦૧૭ દરમ્યાન સભ્યો પાસેથી રૂા. ૫,૪૪,૬૦૦ ડ્રો પેટે સભ્યો પાસેથી મેળવ્યા હતા. બાદમાં ઈનામી યોજનાનો ડ્રો કર્યો ન હતો કે સભ્યોને ઈનામ કે પૈસા પરત ન કરી રૂા. ૫,૪૪,૬૦૦ની વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી. 
આ બનાવ અંગે ગીરીશભાઈ જયદેવભાઈ મકવાણાની ફરિયાદ આધારે ખેડા ટાઉન પોલીસે ચંદ્રકાન્ત મનુભાઈ શર્મા અને આરતીબેન ચંદ્રકાન્ત શર્મા સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

 

(6:50 pm IST)