Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

સરદાર સરોવર નર્મદા ડેમ પ્રોજેક્ટ માટે પ વર્ષમાં કેન્‍દ્ર સરકાર પાસે ૯૧૧૩ કરોડની ગ્રાન્ટ માંગવામાં આવી તેની સામે પ૮૬૮ કરોડ રૂપિયા જ મળ્યાઃ નીતિનભાઇ પટેલ

ગાંધીનગર: સરદાર સરોવર નર્મદા ડેમ પ્રોજેક્ટને લઈ ભાજપ શાસિત રાજ્યો, કેંદ્ર સરકાર અને કૉંગ્રેસ વચ્ચે આરોપ-પ્રતિઆરોપની રાજનીતિ પરાકાષ્ઠાએ છે. એવામાં રાજ્ય સરકારે વિધાનસભામાં ખુલાસો કર્યો છે કે છેલ્લા પાંચ વર્ષમાં આ પ્રોજેક્ટ માટે કેંદ્ર સરકાર પાસે 9,113 કરોડની ગ્રાંટ માંગવામાં આવી તેની સામે 5,868 કરોડ રૂપિયા જ મળ્યા છે. કૉંગ્રેસના ધારાસભ્ય ચંદનજી ઠાકોરે નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ સંભાળતા નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલને પ્રશ્ન કર્યો કે, સરદાર સરોવર પ્રોજેક્ટ માટે કેંદ્ર સરકાર તરફથી કેટલી મદદ મળી છે?

નીતિન પટેલે આપ્યો જવાબ

MLA ચંદનજી ઠાકોરને જવાબ આપતાં નીતિન પટેલે કહ્યું કે, “છેલ્લા પાંચ વર્ષમાં એટલે કે, 2013-14, 2014-15, 2015-16, 2016-17, 2017-18 (31 માર્ચ 2018 સુધી)માં રાજ્ય સરકારે અનુક્રમે 1006 કરોડ, 1471 કરોડ, 1944 કરોડ, 2368 કરોડ અને 2322 કરોડ રૂપિયા માગ્યા, જેની સામે કેંદ્ર તરફથી અનુક્રમે 607 કરોડ, 1033 કરોડ, 482 કરોડ, 1643 કરોડ અને 2100 કરોડ રૂપિયા મળ્યા. એટલે કે છેલ્લા પાંચ વર્ષમાં રાજ્ય સરકારે 9,113 કરોડ માગ્યા જેની સામે 5,868 કરોડ રૂપિયા મળ્યા.”

કેટલા ખર્ચ્યા?

નીતિન પટેલે વધુમાં જણાવ્યું કે, “છેલ્લા પાંચ વર્ષમાં રાજ્ય સરકારે સરદાર સરોવર નર્મદા ડેમ પાછળ 14987.27 કરોડ રૂપિયા ખર્ચ્યા છે જેમાં કેંદ્ર સરકારે કરેલી સહાયનો પણ સમાવેશ થાય છે.”

ત્રણ રાજ્યો પાસેથી 6,189.47 કરોડ લેવાના બાકી

બોરસદના કૉંગ્રેસના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારને લેખિત ઉત્તર આપતાં DyCMએ જણાવ્યું કે, “સરદાર સરોવર નર્મદા ડેમ પ્રોજેક્ટના ત્રણ પાર્ટનર રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર પાસેથી ગુજરાત સરકારને 6,189.47 કરોડ રૂપિયા વસૂલવાના છે. મધ્યપ્રદેશ પાસેથી 4,182.18 કરોડ, મહારાષ્ટ્ર પાસેથી 1,399.54 કરોડ અને રાજસ્થાન પાસેથી 607.55 કરોડ રૂપિયા લેવાના છે. અગાઉની બાકી રકમ પેટે આ રાજ્યોએ અનુક્રમે 74.66 કરોડ, 555.32 કરોડ અને 68.42 કરોડ રૂપિયા ચૂકવી દીધા છે.”

(5:40 pm IST)