Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

સાબરકાંઠા બંધની 'વાતો' માત્ર 'વાતો' જ રહી જવાની છેઃએસપી ચૈતન્ય માંડલીક

પરપ્રાંતીયોની હિજરતના કારણરૂપ બનેલ દુષ્કર્મવાળા જીલ્લાની સ્થિતિ ચાલો નિહાળીએ : ફેકટરીવાઇઝ માલીકો અને પરપ્રાંતીય કામદારો સાથે બેઠકઃ તમામ ફેકટરીઓ અને પરપ્રાંતીય વિસ્તારોને પોલીસના હેલ્પ લાઇન નંબર અપાયાઃ તમે ફકત નામ આપો તમારૂ નામ ખાનગી રહેશે અને તોફાનીઓ લોકઅપમાં હશેઃ ફેકટરીઓમાં રજીસ્ટર પણ મુકાયા

રાજકોટ, તા., ૮: રાજયભરમાંથી પરપ્રાંતીયો પર હુમલા માટે તથા પરપ્રાંતીયોની ઘરવાપશી માટેની જે ઘટના સાબરકાંઠાના ઢુંઢરની દુષ્કર્મની બાબત નિમિત બની તેવા વિસ્તારના જીલ્લા પોલીસ વડા ચૈતન્ય માંડલીકે દુષ્કર્મ કરનાર બિહારના રવિન્દ્રની સત્વરે ધરપકડ કરવા સાથે આરોપીને કડક નસીયત કરવા ઉપરાંત કોઇ નિર્દોષ પરપ્રાંતીયો ભોગ ન બને તે માટે જાતે જ આખી યોજના ઘડી કાઢી અને તેમાં તેઓ સક્રિય રીતે ભાગ લઇ પરપ્રાંતીયોમાં વિશ્વાસ જગાડવા માટે જે કાંઇ પગલા લીધા છે તેની અકિલા સાથે કામમાં ખુબ વ્યસ્તતા વચ્ચે વાતચીત કરી હતી.

અકિલા સાથેની વાતચીતમાં તેઓએ ભાર પુર્વક જણાવેલ કે સાબરકાંઠા બંધ રહેશે તેવી વાતો ચોક્કસ લોકોએ ઇરાદા પુર્વક ફેલાવી છે. આ માત્ર અફવા જ છે.  લોકો સાબરકાંઠા પોલીસે જે રીતે સત્વરે કામગીરી કરી અને પગલા લીધા તેનાથી ખુશ છે.

ચૈતન્ય માંડલીકે જણાવેલ કે, તેઓએ પોતાના જીલ્લામાં આવેલી ફેકટરીઓના માલીકો સાથે વાતચીત કરવા સાથે પરપ્રાંતીય સ્ટાફ સાથે પણ વાતચીત કરી બંન્નેને હિંંમત આપી હતી. ફેકટરી માલીકોને પણ તેઓને કોઇ રીત ધાક-ધમકી મળતી હોય તો પોતાના મોબાઇલ નંબર આપવા સાથે પોલીસ હેલ્પલાઇન અને પોલીસ કંડોલ રૂમના નંબર દરેક ફેકટરીમાં રહે તેવી વ્યવસ્થા ગોઠવી હતી.

કોઇ ધમકી આપતું હોય અને ફેકટરી માલીકોને ડર લાગતો હોય તો તેવા સંજોગોમાં આવી ફેકટરીઓને વિશેષ રક્ષણ આપવા માટે પણ જીલ્લા પોલીસ વડાએ ખાત્રી આપેલ હતી. કેટલાક ફેકટરી માલીકો સાથે ખાનગીમાં ચર્ચા કરી હતી. તે વિસ્તારના શકમંદ લોકો અંગે ચર્ચાઓ કરી હતી. સાબરકાંઠા વિસ્તારના કેટલાક માથાભારે લોકોને પોલીસ મથકે બોલાવી અને શાનમાં સમજી જવા આગવી સ્ટાઇલમાં સમજાવી દેવામાં આવ્યા હતા.

 જેઓની સામે હુમલાની શંકાની સોય ચિંધાઇ છે તેવા ઠાકોર સમાજ સાથે બેઠક કરી તેઓના નામે કોઇ અસામાજીક તત્વો લાભ લઇ ન જાય તે જોવા ચર્ચા વિચારણા કરી હતી. ઠાકોર સમાજે પણ સહકારની ખાત્રી આપી હતી. આમ હુમલાખોરોને ઝડપી લેવા માટે ખાસ એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

રેક ફેરટરીઓમાં એક રજીસ્ટર મુકવામાં આવ્યું છે. આ રજીસ્ટરમાં ગમે તેને પોતાને જે કાંઇ લાગતુ હોય તેમાં સહી કર્યા વગર પણ નોંધ થશે તો તે નોંધ આધારે પગલા લેવા ખાત્રી આપી હતી. આમ પરપ્રાંતીયો ઉપરાંત ફેટરી માલીકોમાં પણ વિશ્વાસ જગાડવા અનેકવિધ પગલાઓ લેવાઇ રહયાનું વાતચીતના અંતે સાબરકાંઠા જીલ્લા પોલીસ વડા ચૈતન્ય માંડલીકે અકિલાને જણાવ્યું હતું.

(3:16 pm IST)