Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

નવરાત્રિમાં આ વર્ષે ફરી કલાકારોના ‘ગરબા સિંગલ્‍સ'ની ધૂમ

ગરબાની પરંપરા અને શોખ ખાતર લોકો સુધી પહોંચવા પ્રયત્‍ન કરતાં ગુજરાતી કલાકારો

અમદાવાદ તા. ૮ : નવરાત્રિમાં અગાઉ અનેક પ્રકારના ગરબાના આલ્‍બમ, કેસેટ અને સીડી માર્કેટમાં આવી જતાં પરંતુ છેલ્લા કેટલાક વર્ષથી આ પ્રવાહ અટકી ગયો હતો. હવે યુવા કલાકારો સ્‍વખર્ચે અથવા થોડી મદદથી સિંગ્‍લસ લોંચ કરતા થયા છે, જેમાં તેઓ કોઇ એક ગરબાને થોડા નવા રંગરૂપ સાથે રજૂ કરે છે. જો કે, આમાં મોટા ભાગના કલાકારો કે પ્રોડ્‍યુસર્સને ડિજિટલ વ્‍યૂઅરશીપ સિવાય કોઇ ખાસ આવક થતી નથી હોતી, તેઓ જેટલું રોકાણ કરતાં હોય છે, તેના દસમાં ભાગનું વળતર મુશ્‍કેલથી મળતું હોય છે. ગયા વર્ષે ઐશ્વર્યા મજમુદાર, જિગરદાન ગઢવી, ઇશાની દવે, આદિત્‍ય ગઢવી સહિતના કલાકારોએ સિંગલ્‍સ કરેલા, જયારે ભૂમિક શાહનું ડાકલા ઘણુ લોકપ્રિય થયેલું.

આ સફળતા જોઇને કેટલાક પીઢ કલાકારો પણ તેમાં ઝંપલાવી રહ્યા છે. બે વર્ષ પહેલાં સંજય ઓઝાએ ‘આવો તો રમીએ રાસ' લોંચ કરેલું, આ વર્ષે શ્‍યામલ-સૌમિલ અને આરતી મુનશી ‘વાગે રે વાંસળીના સૂર વાગે' લઇ આવ્‍યા છે. ઓસમાણ મીર- કિર્તીદાન ગઢવી ‘મન મંદિરીયે રહેતી મોગલ', કિર્તીદાન ‘મોગલ' લઇ આવ્‍યા છે..

જાણીતા ગાયક પાર્થ ઓઝા આ વખતે એક આલ્‍બમ સાથે આવી રહ્યા છે, તેમણે જણાવ્‍યુ કે, પહેલાં સીડી અને આલ્‍બમનું જે ચલણ હતું એ હવે ઓછું થયું છે. સામે હવે રિજનલ કલાકારોને પણ ડિજિટલ પ્‍લેટફોર્મનું મહત્ત્વ સમજાયુ છે. પણ તેમાં ઓવરડોઝ પણ થઇ શકે છે, સારી વસ્‍તુ ચુકી જઇએ એવુ પણ બને. આ ગરબા પર ગરબે રમી શકાય એ જરૂર છે. અમે માનીએ છીએ કે, લોકોને અમારા અવાજમાં ગરબા સાંભળવા ગમે છે.

પોતાની રીતે વ્‍યક્‍તિ પોતાનું સર્જન લોકો સુધી પહોંચાડી શકે છે

ઓસમાણ મીરે કહ્યું કે, આજે વીડિયો વધુ જોવાય છે, તેથી દરેક ગીત કે ગરબાના ઓડિયો વીડિયો બનાવવા મોંઘા પડે છે. તેથી લોકો સિંગલ વધુ બનાવે છે. હું અને કિર્તીદાન મિત્રો છીએ. આ વખતે પહેલી વખત સાથે સિંગલ માટે કામ કર્યુ, તેને ટૂંક સમયમાં જ સવા બે લાખથી વધુ વ્‍યૂઝ મળ્‍યા છે.

પોતાની રીતે વ્‍યક્‍તિ પોતાનું સર્જન લોકો સુધી પહોંચાડી શકે છે

કિશન ગઢવીએ જણાવ્‍યું કે, ગરબામાં પણ લોકોનો થોડો કન્‍ટેમ્‍પરરી ટેસ્‍ટ થઇ ગયો છે. ઇશાની છેલ્લા ત્રણ વર્ષથી આવા પ્રયોગો કરે છે. તેથી અમારે લોકપ્રિય ગરબો, કોઇ દંતકથા હોય એવા ગરબા પર કામ કરવું હતું. અમે પહેલી વખત ૪૫ થી ૫૦ ખેલૈયાઓ સાથે કામ કર્યુ, આટલી મોટી ટીમ, ટેક્‍નિકલ ટીમ, શૂટિંગ, બધાને લાવવા લઇ જવા કે જમવાના ખર્ચ, સેટ, પોસ્‍ટ પ્રોડક્‍શન સહિત અનેક પ્રકારના ખર્ચ હોય છે.

 

(10:49 am IST)