Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

નર્મદા ડેમ પ્રોજેકટ : રાજ્‍ય સરકારે ૫ વર્ષમાં માગ્‍યા ૯,૧૧૩ કરોડ : કેન્‍દ્રએ આપ્‍યા ૫,૮૬૮ કરોડ

સરદાર સરોવર પ્રોજેકટના ત્રણ પાર્ટનર રાજ્‍યો મધ્‍યપ્રદેશ, રાજસ્‍થાન અને મહારાષ્‍ટ્ર પાસેથી ગુજરાત સરકારને ૬,૧૮૯.૪૭ કરોડ રૂપિયા વસૂલવાના છે

અમદાવાદ તા. ૮ : સરદાર સરોવર નર્મદા ડેમ પ્રોજેક્‍ટને લઈ ભાજપ શાસિત રાજયો, કેંદ્ર સરકાર અને કોંગ્રેસ વચ્‍ચે આરોપ-પ્રતિઆરોપની રાજનીતિ પરાકાષ્ઠાએ છે. એવામાં રાજય સરકારે વિધાનસભામાં ખુલાસો કર્યો છે કે છેલ્લા પાંચ વર્ષમાં આ પ્રોજેક્‍ટ માટે કેંદ્ર સરકાર પાસે ૯,૧૧૩ કરોડની ગ્રાંટ માંગવામાં આવી તેની સામે ૫,૮૬૮ કરોડ રૂપિયા જ મળ્‍યા છે. કોંગ્રેસના ધારાસભ્‍ય ચંદનજી ઠાકોરે નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્‍પસર વિભાગ સંભાળતા નાયબ મુખ્‍ય મંત્રી નીતિન પટેલને પ્રશ્ન કર્યો કે, સરદાર સરોવર પ્રોજેક્‍ટ માટે કેંદ્ર સરકાર તરફથી કેટલી મદદ મળી છે?

MLA ચંદનજી ઠાકોરને જવાબ આપતાં નીતિન પટેલે કહ્યું કે, ‘છેલ્લા પાંચ વર્ષમાં એટલે કે, ૨૦૧૩-૧૪, ૨૦૧૪-૧૫, ૨૦૧૫-૧૬, ૨૦૧૬-૧૭, ૨૦૧૭-૧૮ (૩૧ માર્ચ ૨૦૧૮ સુધી)માં રાજય સરકારે અનુક્રમે ૧૦૦૬ કરોડ, ૧૪૭૧ કરોડ, ૧૯૪૪ કરોડ, ૨૩૬૮ કરોડ અને ૨૩૨૨ કરોડ રૂપિયા માગ્‍યા, જેની સામે કેંદ્ર તરફથી અનુક્રમે ૬૦૭ કરોડ, ૧૦૩૩ કરોડ, ૪૮૨ કરોડ, ૧૬૪૩ કરોડ અને ૨૧૦૦ કરોડ રૂપિયા મળ્‍યા. એટલે કે છેલ્લા પાંચ વર્ષમાં રાજય સરકારે ૯,૧૧૩ કરોડ માગ્‍યા જેની સામે ૫,૮૬૮ કરોડ રૂપિયા મળ્‍યા.'

નીતિન પટેલે વધુમાં જણાવ્‍યું કે, ‘છેલ્લા પાંચ વર્ષમાં રાજય સરકારે સરદાર સરોવર નર્મદા ડેમ પાછળ ૧૪૯૮૭.૨૭ કરોડ રૂપિયા ખર્ચ્‍યા છે જેમાં કેંદ્ર સરકારે કરેલી સહાયનો પણ સમાવેશ થાય છે.'

બોરસદના કોંગ્રેસના ધારાસભ્‍ય રાજેન્‍દ્રસિંહ પરમારને લેખિત ઉત્તર આપતાં DyCMએ જણાવ્‍યું કે, ‘સરદાર સરોવર નર્મદા ડેમ પ્રોજેક્‍ટના ત્રણ પાર્ટનર રાજયો મધ્‍યપ્રદેશ, રાજસ્‍થાન અને મહારાષ્ટ્ર પાસેથી ગુજરાત સરકારને ૬,૧૮૯.૪૭ કરોડ રૂપિયા વસૂલવાના છે. મધ્‍યપ્રદેશ પાસેથી ૪,૧૮૨.૧૮ કરોડ, મહારાષ્ટ્ર પાસેથી ૧,૩૯૯.૫૪ કરોડ અને રાજસ્‍થાન પાસેથી ૬૦૭.૫૫ કરોડ રૂપિયા લેવાના છે. અગાઉની બાકી રકમ પેટે આ રાજયોએ અનુક્રમે ૭૪.૬૬ કરોડ, ૫૫૫.૩૨ કરોડ અને ૬૮.૪૨ કરોડ રૂપિયા ચૂકવી દીધા છે.

(10:33 am IST)