Gujarati News

Gujarati News

News of Sunday, 8th September 2019

કપડવંજ સંગમ નદીમાં ગણેશ વિસર્જન વેળાએ પાંચ યુવાનો ડુબ્યા: ત્રણના કરૂણમોત : એકને બચાવાયો :એકની શોધખોળ

અચાનક નદીના ઊંડાણવાળા વિસ્તારમાં જતા રહેતા પાંચે યુવાન તણાયા

ખેડા જીલ્લાના કપડવંજ નજીક આવેલી સંગમ નદીમાં ગણેશ વિસર્જન સમયે પાંચ યુવાનો ડુબ્યાની ઘટના બની છે જેમાં ત્રણના મોત નિપજ્યા છે જયારે એક ને બચાવી લેવાયો છે અને અન્ય એકની શોધખોળ ચાલુ છે

    મળતી વિગત મુજબ જીલ્લાના કપડવંજ શહેરના અતિસાર દરવાજા પાસે એક યુવા મંડળ દ્વારા ખુબ ધુમધામથી ગણેશ ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. પાંચ દિવસની ગણેશજીની પૂજા અર્ચના કર્યા બાદ આજે યુવાનો ગણેશ વિસર્જન માટે શહેરથી નજીક આવેલી સંગમ નદીએ ગયા હતા. અહીં ગણેશ વિસર્જન સમયે પાંચ યુવાનો પાણીમાં તણાઈ ગયા, જેમાંથી એકને બચાવી લેવાયે છે, જ્યારે અન્ય ચારમાંથી ત્રણના મૃતદેહ મળી આવ્યા છે, એકની શોધખોળ ચાલુ. છે 

   ગણેશ વિસર્જન સમયે યુવાનો ભગવાનની મૂર્તિ લઈ પાણીમાં ઉતર્યા તે સમયે અચાનક નદીના ઊંડાણવાળા વિસ્તારમાં જતા રહેતા પાંચે યુવાન તણાયા હતા. આ ઘટના સર્જાતા તુરંત સ્થાનિક તરવૈયાઓએ નદીમાં કુદી એકને બચાવી લીધો, જ્યારે અન્ય યુવાનો તણાઈ ગયા હતા.

    આ ઘટનાની જાણ પોલીસ અને ફાયર બ્રિગેડને કરવામાં આવતા ટીમ સ્થળ પર પહોંચી ગઈ છે. હાલમાં ત્રણ યુવાનોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે અન્ય એક યુવાનને શોધવાની પ્રક્રિયા ચાલુ છે. બચાવી લેવામાં આવેલા યુવાનને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ વાત વાયુવેગે શહેરમાં ફેલાતા શોકનો માહોલ છવાઈ ગયો છે.

(10:10 pm IST)