Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

ઘણી ગ્રાહક ફોરમોમાં પ્રમુખ સહિતની જગ્યાઓ ખાલી છે

ખાલી જગ્યાઓના કારણે ગ્રાહકોને ન્યાયમાં વિલંબઃ સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે સંબંધિત ગ્રાહક ફોરમોમાં ખાલી જગ્યા ભરવા માટે ગ્રાહક સુરક્ષાની ઉગ્ર માંગણી

અમદાવાદ, તા.૮: ગુજરાત રાજયમાં ૩૮ શહેર જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં અનેક જિલ્લાઓમાં પ્રમુખ, નોન જયુડીશીયલ સભ્યો સહિતની સંખ્યાબંધ જગ્યાઓ ખાલી હોઇ તેના કારણે ગ્રાહક ફોરમની અદાલતી કાર્યવાહીને ગંભીર અસર પહોંચી રહી છે તો, સાથે સાથે રાજયના સંખ્યાબંધ ગ્રાહકોને ન્યાય મળવામાં વિલંબ થઇ રહ્યો છે. આ સંજોગોમાં રાજય સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે સંબંધિત ગ્રાહક ફોરમોમાં ખાલી જગ્યા ભરવા માટે ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે ઉગ્ર માંગણી કરી છે.  બીજીબાજુ, અમદાવાદ ગ્રામ્ય ગ્રાહ્ક તકરાર નિવારણ ફોરમમાં એન.એ.કન્સ્ટ્રકશનના બિલ્ડર નીલેશ મુકુંદરાય શાહ સામે છેલ્લા બે મહિનામાં ૨૦થી વધુ ફરિયાદો દાખલ થઇ છે. જેમાં ફરિયાદી ગ્રાહકો તરફથી ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે લોકોએ ઘર ખરીદવા આ ઠગ બિલ્ડરને આપેલ રકમ રૂ.૨,૬૧,૦૦૦ ઉપર વાર્ષિક ૧૨ ટકાના વ્યાજ સાથે વસૂલાત માટે દાદ માંગી હતી. એટલું જ નહી, ગ્રાહક ફોરના હુકમનો અમલ કરવામાં વિલંબ કરવા બદલ કસૂરવાર બિલ્ડરને વધુમાં વધુ ત્રણ વર્ષની સજા ફરમાવવા પણ દાદ મંગાઇ હતી, જેની સુનાવણીમાં ગ્રાહક ફોરમે બિલ્ડર નીલેશ શાહ વિરૂધ્ધ એકઝીકયુશન પિટિશનો દાખલ કરી તેને સમન્સ-નોટિસ જારી કરી હતી. ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે રાજયભરમાં જિલ્લા ગ્રાહક ફોરમોમાં ખાલી જગ્યાઓ તાકીદે ભરવા માંગણી કરતાં જણાવ્યું હતું કે, અમરેલી, જૂનાગઢ, પાટણ અને સુરત એડિશનલ ગ્રાહક ફોરમમાં પ્રમુખની મુખ્ય જગ્યા જ ખાલી છે. તો, વડોદરા, સુરત બંને મેઇન ગ્રાહક ફોરમમાં તેમ જ અમરેલી, સાબરકાંઠા, ભાવનગર, કચ્છ, ભુજ, બનાસકાંઠા અને રાજકોટ મેઇન ગ્રાહક ફોરમોમાં નોન જયુડીશીયલ સભ્યોની જગ્યાઓ ખાલી છે.

 આ બધી જગ્યાઓ ખાલી હોવાના કારણે ગ્રાહક ફોરમોમાં સંખ્યાબંધ ગ્રાહકોને ન્યાય મળવાની પ્રક્રિયા વિલંબિત થઇ રહી છે, જે ન્યાય નહી મળવા સમાન કહી શકાય. આ સંજોગોમાં રાજય સરકારે તાત્કાલિક ઉપરોકત જગ્યાઓ ભરવા કાર્યવાહી કરવી જોઇએ. દરમ્યાન અમદાવાદ ગ્રામ્ય ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં જે.જે.પંડયાની પ્રમુખ તરીકે નિમણૂંક કરવાના સરકારના નિર્ણયને શ્રી પરીકે આવકાર્યો હતો અને બાકીની ફોરમોમાં પણ આ પ્રકારે ઝડપથી નિમણૂંકો કરવા સરકારને અનુરોધ કર્યો હતો.

 

(9:37 pm IST)