Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

ગૌતમ ઠાકરના અવસાનથી ઘેરા શોકની લાગણી ફેલાઈ

માનવ અધિકારો માટેની તેમની લડત યાદ રહેશેઃ પીયુસીએલના રાષ્ટ્રીય સદસ્યો પ્રો.હેમંતકુમાર શાહ અને મહેશભાઇ પંડયા સહિતના મહાનુભાવોએ અંજલી આપી

અમદાવાદ, તા.૮: પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝ(પીયુસીએલ)ના ગુજરાતના મંત્રી અને રાષ્ટ્રીય કારોબારી સદસ્ય ગૌતમ ઠાકરનું આજે વહેલી સવારે દુઃખદ નિધન થતાં સામાજિક અને જાહેર જીવનના અગ્રણીઓ અને માનવધિકારી વર્તુળમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ ગઇ છે. ૭૨ વર્ષીય  ગૌતમ ઠાકર ગુજરાતમાં માનવ અધિકારોના રક્ષણની અને રાજકીય તેમ જ નાગરિક સ્વાતંત્ર્યની ચળવળ  સાથે છેલ્લા ૫૦ વર્ષ કરતાં વધુ વર્ષોથી ખૂબ જ સક્રિય રીતે સંકળાયેલા હતા. માનવ અધિકારોના રક્ષણ, નૈતિક મૂલ્યોના જતન અને સમાજના નબળા અને જરૂરિયાતમંદ વર્ગોના પ્રશ્નોના નિરાકરણ માટે તેમનું બહુમૂલ્ય યોગદાન અને બલિદાન હરહંમેશ યાદ રહેશે એમ પીયુસીએલના રાષ્ટ્રીય સદસ્યો પ્રો.હેમંતકુમાર શાહ અને મહેશભાઇ પંડયાએ તેમને ભાવભીની શ્રધ્ધાંજલિ અર્પતાં જણાવ્યું હતું. પીયુસીએલના રાષ્ટ્રીય સદસ્યો પ્રો.હેમંતકુમાર શાહ અને મહેશભાઇ પંડયાએ વધુમાં જણાવ્યું હતું કે, દેશના પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટરી દરમ્યાન ગૌતમ ઠાકરે જેલવાસ પણ વેઠયો હતો. માનવ અધિકારો માટે તેમણે સતત લડત આપી હતી. ખાસ કરીને દલિતો, આદિવાસીઓ, મહિલાઓ અને બાળકો સહિતના નાગરિક અધિકારોના રક્ષણ માટે તેમણે તમામ રાજય સરકારો અને કેન્દ્ર સરકારો સામે મર્દાનગીથી બાથ ભીડી હતી. ભારતીય બંધારણમાં નિર્દિષ્ટ મૂળભૂત અધિકારોના રક્ષણ માટે પણ તેઓ સતત નાગરિકોમાં જાગૃતિનું કામ કરતા રહ્યા હતા. બેંક કર્મચારીઓ અને અધિકારીઓના સંગઠનના તેઓ દાયકાઓ સુધી મંત્રીપદે રહ્યા હતા અને કામદાર ચળવળને તેમણે મજબૂત બનાવી હતી. તેઓ મહાન ક્રાંતિકારી નેતા એમ એન રોયના ઉદ્દામવાદી માનવવાદના વિચારો અને જયપ્રકાશ નારાયણના સંપૂર્ણ ક્રાંતિકારી વિચારોથી પ્રેરાઇને જાહેરજીવનમાં પ્રવેશ્યા હતા અને ગુજરાતમાં જયાં પણ નાગરિક સ્વતંત્રતાનું હનન થાય અને ન્યાયનું હનન થાય ત્યાં તેનો વિરોધ કરવાનો અને તેના રક્ષણ માટે કામ કરવાનો તેમનો જૂઝારુ સ્વભાવ હતો. નાગરિક સમાજની અનેક સંસ્થાઓ સાથે સંકલન કરીને તેમણે હંમેશા નાગરિક આઝાદીની જયોત પ્રજવલિત રાખી હતી. કોઇપણ રાજકીય પક્ષની કે નેતાની શેહશરમમાં આવ્યા વિના તેમણે કાયમ સ્વતંત્રતાની અને માનવ અધિકારોના રક્ષણ અને સંવર્ધનની જ ચિંતા કરી હતી. માનવ અધિકારોના રક્ષણ, નૈતિક મૂલ્યોના જતન અને સમાજના નબળા અને જરૂરિયાતમંદ વર્ગોના પ્રશ્નોના નિરાકરણ માટે તેમનું બહુમૂલ્ય યોગદાન અને બલિદાન હરહંમેશ યાદ રહેશે એમ તેમણે ઉમેર્યું હતું.

(9:35 pm IST)