Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

ગાંધીનગર સે-24માં મોટા પાયે દબાણ હટાવોની કામગીરી હાથ ધરાઈ

ગાંધીનગર:કોર્પોરેશન દ્વારા સે-ર૪ની હાઉસીંગ વસાહતમાં મોટા પાયે દબાણ તોડવામાં આવી રહયા છે ત્યારે વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટરે મેયરને દરખાસ્ત કરી છે કે વારંવાર સે-ર૪ને ટાર્ગેટ કરવામાં આવે છે. દબાણો સમગ્ર શહેરમાં છે ત્યારે સે-૧થી લઈ ૩૦ સુધી ક્રમશ દબાણ હટાવ ઝુંબેશ શરૃ કરવી જોઈએ. કોમર્શિયલ દબાણો પહેલા હટાવવા જોઈએ. વસાહતીઓને હેરાન કરવાનું બંધ કરવું જોઈએ

રાજયના પાટનગર ગાંધીનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા સે-૧૧માં પાર્કીંગના મુદ્દે દબાણો હટાવ્યા બાદ સે-ર૪માં ગુજરાત હાઉસીંગ બોર્ડમાં ઉભા થઈ ગયેલા દબાણો હટાવવાનું શરૃ કરવામાં આવ્યું છે. સે-ર૪ની હાઉસીંગ બોર્ડની વસાહતોમાં કોમર્શિયલ દબાણોની સાથે રહેણાંક વિસ્તારમાં પણ મોટા દબાણો હટાવાયા છે. ત્યારે વિસ્તારના સ્થાનિકો પણ ફકત સે-ર૪ને કેમ તંત્ર ટાર્ગેટ કરી રહયું છે તેવો પ્રશ્ન કર્યો છે. વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર અંકિત બારોટે પણ મેયરને દરખાસ્ત કરી છે કે આગામી તા.૧૪મી મળનારી સામાન્ય સભામાં તેમના મુદ્દાઓને આવરી લેવામાં આવે. તેમણે રજૂઆત કરી છે કે કોર્પોરેશન દ્વારા જે દબાણ હટાવ ઝુંબેશ શરૃ કરાઈ છે તેમાં સે-ર૪ને ટાર્ગેટ કરવામાં આવી રહયું છે. કાર્યવાહીમાં નાના અને મધ્યમ વર્ગના પરિવારોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. દબાણ હટાવ ઝુંબેશમાં વહાલા-દવાલાંની નીતિ રાખવામાં આવી રહી છે.

(4:42 pm IST)