Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

સાઉથ ગુજરાતમાં 'મહિલા'ઓ 'લાંચ' લેવામાં પુરૂષ સમોવડીઃ એસીબીનું તારણ

સુરતના વધુ એક મહિલા કોર્પોરેટર નેન્સી સુમરાની એસીબી દ્વારા ધરપકડઃ સુરતની મહિલા કોર્પોરેટરના પિતા અને ભાઇ મ્યુનિસીપલ કોર્પોરેશનની વેબસાઇટ પર દર્શાવેલ ફોન નંબર પરથી જ લાંચની વાતચીત કરતા'તાઃ છટકા સમયે મહિલા કોર્પોરેટરના ભાઇ સકંજામાં આવેલ, પિતા નાસી છુટેલ, ડરના માર્યા મહિલા કોર્પોરેટર પણ નાસેલઃ મહિલા કોર્પોરેટર વિરૂધ્ધ પુરાવા મળ્યાઃ ભાજપે પક્ષની છબી સ્વચ્છ કરતું નિવેદન કર્યુ

રાજકોટ, તા., ૮: તાજેતરમાં સુરતના મહિલા કોર્પોરેટર નેન્સી સુમરાના પિતા અને ભાઇ વિકી ઉર્ફે પ્રિન્સ એક બિલ્ડર પાસેથી રૂ.પપ૦૦૦ ની લાંચ સ્વીકારવાના મામલે એસીબી દ્વારા ગોઠવાયેલ છટકામાં મહિલા કોર્પોરેટરના ભાઇ આબાદ ઝડપાઇ ગયેલા જયારે પિતા મોહનભાઇ સુમરા નાસી છુટયા હતા. ડરના માર્યા મહિલા કોર્પોરેટર નેન્સી સુમરા જેઓ પણ ફરાર બન્યા હતા. તેઓ એસીબી સમક્ષ હાજર થતા તેમની ધરપકડ કરતા ખળભળાટ મચી ગયો છે.

અત્રે એ યાદ રહે કે, સુરત સહિતના સાઉથ ગુજરાતના વિવિધ જીલ્લાઓમાં લાંચના મામલે હવે મહિલાઓ પણ પુરૂષ સમોવડી બની રહી હોય તેમ એક પછી એક રાજકીય મહિલાઓ અને ખાસ કરીને મહિલા કોર્પોરેટરો એસીબીના સકંજામાં આવી રહયાનું રસપ્રદ તારણ ગુજરાતના એસીબી વડા કેશવકુમારની તપાસમાં બહાર આવ્યાનું સુત્રો જણાવે છે.

એસીબી સુત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ સુરતના સૈયદપુરા વિસ્તારમાં બની રહેલ એક બિલ્ડીંગના બાંધકામમાં ચોક્કસ ભાગ ગેરકાયદેસર હોવાનું જણાવી મહિલા કોર્પોરેટરના પિતા અને ભાઇએ લાંચની માંગણી કરી હતી. પપ હજારની લાંચ લેતા અગાઉ ર૦ હજાર તો અગાઉથી જ કટકટાવી લીધા હતા. લાંચના છટકા સમયે મહિલા કોર્પોરેટરના પિતા મોહનભાઇ નાસી છુટેલ અને ત્યાર બાદ એસીબી સુરત યુનીટમાં હાજર થતા તેમની ધરપકડ કરી પુછપરછ શરૂ થયેલી.

યોગાનુયોગ મહિલા કોર્પોરેટર નેન્સી સુમરા પોતાના પિતા અને ભાઇ એસીબીના સકંજામાં આવી જતા અને પોતાના ઓફીશ્યલ ફોનનો ઉપયોગ થયાના પુરાવા મળ્યાનું જાણવા મળતા જ તેણી પણ નૌ-દો-ગ્યારહ થઇ ગયેલ. નવાઇની વાત એ છે કે જે તે સમયે એસીબી પાસે મહિલા કોર્પોરેટર નેન્સી સુમરા વિરૂધ્ધ જોઇએ તેટલા સજ્જડ પુરાવા ન હતા. જો કે તેણીના ફરાર બન્યા બાદ એસીબીએ પાછળથી તમામ પુરાવાઓ એકઠા કરી લીધા છે.

મહિલા કોર્પોરેટર તેનાભાઇ અને પિતા વિગેરે દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ ઉપર દર્શાવેલ સતાવાર નંબરનો ઉપયોગ કરી બીજા કેટલા બિલ્ડરો કે અન્ય લોકોને શિકાર બનાવ્યા છે. તે દિશામાં પણ એસીબી તપાસ ચાલી રહી હોવાનું સુત્રો જણાવે છે. (૪.૫)

(4:07 pm IST)