Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

આયાતી ગાર્મેન્ટ પર રૂ. ૯૯૯નો ટેગ મારી ઊંચો GST સ્લેબ ટાળતી બ્રાન્ડેડ કંપનીઓ

વિદેશી કંપનીઓ બાંગ્લાદેશથી માલ ખરીદી ભારતમાં વેચે છે, દેશનો ગાર્મેન્ટ ઉદ્યોગ ખતરામાં : GCCIની ટીમે ટેકસ્ટાઇલ ઇન્ડસ્ટ્રીના વિકાસ માટે મંત્રી સ્મૃતિ ઇરાનીને સૂચનો કર્યા

અમદાવાદ તા. ૮ : દેશમાં સૌથી વધુ રોજગારી કાપડ અને ગાર્મેન્ટ ઉદ્યોગ આપી રહ્યો છે પણ આ ઉદ્યોગ સામે હવે ખતરો ઉભો થઇ રહ્યો છે તેવી ગુજરાત ચેમ્બરની ટીમે ટેકસ્ટાઇલ મિનિસ્ટર સ્મૃતિ ઇરાની સમક્ષ રજૂઆત કરી છે. ચેમ્બરની રજૂઆતો હતી કે વિદેશી કંપનીઓ બાંગ્લાદેશ અને વિયેતનામમાંથી ગાર્મેન્ટ ખરીદી ભારતમાં વેચી કરોડોનો નફો રળી રહી છે. સ્થાનિક ઉત્પાદકોને આ પરવડતું નથી. આ હકીકતને ધ્યાનમાં રાખી સરકારી નીતિમાં સુધારા કરવા જરૂરી છે. અમદાવાદમાં અગાઉ યોજાયેલા ફાર્મ ટુ ફેશન કાર્યક્રમમાં ટેકસ્ટાઇલ પોલીસી માટે નિષ્ણાતોએ જે વ્હાઇટ પેપર રજૂ કર્યું તે પણ સ્મૃતિ ઇરાની સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. ગાર્મેન્ટની કિંમત રૂ. ૧૦૦૦ થતાં જ તેના પર GST પાંચ ટકાને બદલે ૧૨ ટકા થઇ જતી હોવાથી મોટી કંપનીઓ રૂ. ૯૯૯ના ટેગ લગાવી GST બચાવી રહી છે..

ભારતમાં મોટા પ્રમાણમાં કપાસનું ઉત્પાદન થાય છે છતાં ઘણાં કારણોસર ગાર્મેન્ટસ આપણા કરતાં બાંગ્લાદેશ, ચીન અને વિયેતનામમાં સસ્તા તૈયાર થાય છે. તે દેશમાંથી ગાર્મેન્ટસ ભારતમાં લાવીને વેચવામાં આવે તો પણ આયાતકારોનો ઘણો ફાયદો થઇ શકે છે. આયાતી માલ સસ્તો પડતો હોવાથી તેની માગ વધી ગઇ છે. જેને પગલે દેશનો ગાર્મેન્ટ ઉદ્યોગ એટલે કે ઉત્પાદકોનો મોટું નુકસાન થઇ રહ્યું છે. GSTના સ્લેબમા ગાર્મેન્ટસ અંગે રૂ. ૯૯૯ સુધી પાંચ ટકા ટેકસ લાગે છે પણ રૂ. ૧૦૦૦ની કિંમત થતાં જ GST૧૨ ટકા થઇ જાય છે. સ્થાનિક ઉત્પાદકોની ઉત્પાદન કિંમત રૂ. ૧૦૦૦થી વધી જતી હોવાતી તેને ૧૨ ટકા GST ભરવો પડે છે. વિદેશી કંપનીઓ આયાતી માલ રૂ. ૯૯૯ના ટેગ સાથે બજારમાં મૂકીને પાંચ ટકા જ GST ભરે છે, જેથી તેને ફાયદો થાય છે.

આવા મુદ્દા અંગે ચેમ્બરના પ્રમુખ જયમિન વસા, મીના કાવિયા, સૌરીન પરીખ અને ગૌરાંગ ભગતની ટીમે સ્મૃતિ ઇરાની સમક્ષ રજૂઆતો કરી છે.(૨૧.૪)

ચીનનો માલ બાંગ્લાદેશ થઇને ભારતમાં ડમ્પ થઇ રહ્યો છે

બાંગ્લાદેશથી આયાત થતા માલ પર કોઇ પણ પ્રકારની ડ્યૂટી વસૂલાતી નથી. આથી બાંગ્લાદેશથી મોટા પ્રમાણમાં ગાર્મેન્ટસની ભારતમાં આયાત થઇ રહી છે. આ સ્કીમનો ગેરલાભ ઉઠાવવા કેટલાક આયાતકારો ચીનથી ગાર્મેન્ટસ બાંગ્લાદેશ થઇને ભારતમાં લાવી રહ્યા છે. ચાઇનીઝ માલ જે રીતે ભારતના માર્કેટમાં ડમ્પ થઇ રહ્યો છે તે પણ દેશના ગાર્મેન્ટસ ઉદ્યોગ માટે નુકસાનકર્તા છે.

(12:07 pm IST)