Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

'રાખડી' બાંધતી સાળી, જીજાજી વચ્ચે પ્રેમસંબંધ! પત્નીની ફરિયાદ

પિતાએ ૪૦ લાખ ખર્ચી લગ્ન કર્યા પછી પતિ કાર માટે ૬ લાખ માગતો

અમદાવાદ તા. ૮ : જીજાજીને નવ વર્ષથી રાખડી બાંધતી સાળી સાથે પ્રેમસંબંધ હતો. સામાજિક સંબંધો અને વિશ્વાસના તાણાંવાણાં હચમચાવી દે તેવી ચોંકાવનારી ફરિયાદ એક પરિણીતાએ વાડજ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. ઘાટલોડિયાની સ્મિતા (તમામ નામો બદલ્યાં છે)ના લગ્ન પિતાએ રૂ. ૪૦ લાખનો ખર્ચ કર્યા પછી શેરબજારનો ધંધાર્થી પતિ કાર લેવા માટે પત્નીને પિતાના ઘરેથી રૂ. છ લાખ લઈ આવવા દબાણ કરતો હતો. પુત્ર પછી બીજા બાળકનો ગર્ભપાત પતિએ ટીકડી ખવડાવીને કરાવી દીધો હતો. પતિના પ્રેમમાં પાગલ બનેલી સાળી એટલે કે પરિણીતાની નાની બહેને એક દિવસ મોટી બહેનને લાફો મારી કહી દીધું કે, 'અમે કોર્ટ મેરેજ કરી લીધા છે.' આ ચોંકાવનારી ફરિયાદ અંગે વાડજ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે..

ફરિયાદમાં જણાવાયા મુજબ, ૨૦૦૯માં સ્મિતાના લગ્ન નિર્ણયનગરમાં રહેતા વિશાલ સાથે જ્ઞાતિના રિવાજ મુજબ થયા હતા. લગ્નમાં ધરખમ ખર્ચ કરી પિતાએ રૂ. ૧૦ લાખ ઉપરાંત ૧૭ તોલા દાગીના આપ્યા હતા. એક પુત્ર અવતર્યા પછી શેરબજારનો ધંધાર્થી, જુગાર-દારૂનો શોખીન પતિ સાસરિયાંને દહેજ માટે ત્રાસ આપતો હતો. પતિ છ મહિનાથી કાર માટે રૂ. છ લાખ માગવા લાગ્યો હતો. બીજી તરફ, મારઝૂડ કરતાં પતિ વિશાલને નવ વર્ષથી રાખડી બાંધતી સાળી નિશા સાથે પ્રેમસંબંધ છે. નિશા પણ તેની બહેનને કહેતી હતી કે, અમારે સંબંધ છે. સાળી અને જીજાજી અનેક વખત હોટલમાં શરીર સુખ માણી આવ્યાનો આક્ષેપ પણ ફરિયાદમાં કરાયો છે. છેવટે, ઘી કાંટા કોર્ટમાં છૂટાછેડાના કાગળો ઉપર સહી કરાવી પિતૃગૃહે મૂકી જવાતાં સ્મિતાએ આખરે વાડજ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

સાસરીમાં સતત ત્રાસથી પરેશાન ૩૨ વર્ષની સ્મિતા તેના પિતાના ઘરે હતી. તા. ૧૮ ઓગસ્ટના રોજ વિશાલ બાઈક લઈને આવ્યો હતો. સ્મિતાએ જોયું તો પતિ તેને નહીં પણ તેની નાની બહેનને લેવા માટે આવ્યો હતો. સ્મિતાની નજર સામે જ નાની બહેન નિશાને બાઈક ઉપર બેસાડી તેનો પતિ વિશાલ રવાના થઈ ગયો હતો.(૨૧.૫)

(12:04 pm IST)