Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

SGVPમાં હાર્દિકની સારવાર : ચાંપતો બંદોબસ્ત

હાર્દિકના અલગ અલગ ટેસ્ટ કરાયા : નરેશ પટેલની સરકાર સાથે બેઠક નહી કરે : હાર્દિક સ્વસ્થ થયા બાદ જ ચર્ચા થશે

અમદાવાદ તા. ૮ : ઉપવાસના ૧૪માં દિવસ બાદ ખુદ હાર્દિક પટેલની વિનંતી બાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાર્દિક પટેલને શુક્રવારે બપોર પછી સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અહીં તેની સારવાર શરૂ કરવામાં આવી હતી. જોકે, બાદમાં પાસ તરફથી એવી જાહેરાત કરવામાં આવી હતી કે તેમને સરકાર પર ભરોસો નથી આથી હાર્દિકને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યો છે. સાંજે હાર્દિક પટેલને સરખેજ ગાંધીનગર હાઇવે પર આવેલી એસજીવીપી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પાસ તરફથી એવો દાવો કરવામાં આવ્યો છે કે શુક્રવારે હાર્દિક પટેલ ઘરમાં જ ફસાડાઈ ગયો હતો, આથી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

હાલ એસજીવીપી હોસ્પિટલ ખાતે હાર્દિક પટેલની સારવાર ચાલી રહી છે. અહીં કોઈ અરાજકતા ન ફેલાય તે માટે હોસ્પિટલ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હોસ્પિટલ ખાતે હાર્દિકના અલગ અલગ મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં એલ.એફ.ટી, આર.એફ.ટી, સી.બી.સી, યુરિન, સોનોગ્રાફી, ઈ.સી.જી અને ઇકો ટેસ્ટનો સમાવેશ થાય છે.

ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ પાસ અને સરકાર વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા નિભાવી રહ્યા છે. જોકે, એવી માહિતી મળી છે કે નરેશ પટેલ આજે રાજકોટમાં જ છે. તેઓ સરકાર સાથે કોઈ જ બેઠકમાં ભાગ નહીં લે. હાર્દિક પટેલ સ્વસ્થ થયા બાદ જ સરકાર સાથે કોઈ ચર્ચા થશે. આ દરમિયાન પાટીદારોની ધાર્મિક સંસ્થાઓના આગેવાનો વચ્ચે બેઠકનો દોર ચાલુ રહેશે.

શુક્રવારે નરેશ પટેલે ખોડલધામના ટ્રસ્ટીઓ સાથે મુલાકાત કર્યા બાદ હાર્દિક પટેલ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે હાર્દિક પટેલને ઉપવાસ તોડી નાખવા માટે સમજાવ્યો હતો. તેમજ ત્રણ માગણીને લઈને હાર્દિક સાથે ચર્ચા કરી હતી. જે બાદમાં પત્રકાર પરિષદ કરીને નરેશ પટેલે જણાવ્યું હતું કે, હાર્દિકે ખોડલધામ અને ઉમાધામના આગેવાનો સાથે મળીને સરકાર સાથે ચર્ચા વિચારણા કરવાની વિનંતી કરી છે. નરેશ પટેલે કહ્યું હતું કે તેઓ આગામી એક બે દિવસમાં ખોડલધામ અને ઉમાધામના ટ્રસ્ટીઓ સાથે મુલાકાત કરશે અને બાદમાં આ સંયુકત રીતે સરકાર સાથે ચર્ચા વિચારણા કરશે. (૨૧.૧૧)

(12:02 pm IST)