Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

વિસનગરમાં ભાંડુ ગામના મહિલાની બે બેગ અેસ.ટી. બસમાં ખોવાઇ ગયા બાદ ૨૧ વર્ષે અેસ.ટી. રૂ.૨.૧પ લાખનું વળતર ચુકવશે

અમદાવાદ: વિસનગર પાસે આવેલા ભાંડુ ગામમાં રહેતા હીરાબેન પટેલને 21 વર્ષે GSRTC (ગુજરાત સ્ટેટ રોડ ટ્રાંસપોર્ટ કોર્પોરેશન) 2.15 લાખનું વળતર ચૂકવશે. હીરાબેનની બે બેગ ST બસમાં ટ્રાવેલિંગ વખતે ખોવાઈ હતી તેનું વળતર ચૂકવાશે. GSRTC હીરાબેનને વળતર ચૂકવવાના આદેશને પડકારતી અરજી કરી હતી જેને ગુજરાત સ્ટેટ કન્સ્યુમર રિડ્રેસલ કમિશને નકારી કાઢી અને હીરાબેનને વ્યાજ સાથે વળતર ચૂકવવા આદેશ કર્યો છે. સાથે 20 વર્ષમાં કાયદાકીય લડત પાછળ થયેલા ખર્ચ પેટે 5,000 રૂપિયા વધારે ચૂકવવા પણ કહ્યું.

કેસની વિગતો જાણીએ તો, 1 નવેમ્બર 1997ના રોજ હીરાબેન પોતાના દીકરા સાથે GSRTCની સેમી લક્ઝરી બસમાં નાસિકથી ચણાસ્મા જઈ રહ્યા હતા. બસના લગેજ કમ્પાર્ટમેન્ટમાં તેમનો સામાન મૂકવામાં આવ્યો હતો. બેગમાં કિંમતી સામાન હોવાથી હીરાબેન લગેજ કમ્પાર્ટમેન્ટમાં બેગ મૂકતાં ખચકાતા હતા. જો કે બસના કંડક્ટરે તેમને આશ્વસ્ત કર્યા કે કમ્પાર્ટમેન્ટ ઓટો-લોક હોવાથી સામાન ચોરી થવાનો ભય નથી.

ભાંડુ ગામ આવી જતાં હીરાબેન અને તેમનો દીકરો બસમાંથી ઉતર્યા પરંતુ લગેજ કમ્પાર્ટમેન્ટમાંથી બેગ મળી. હીરાબેને ખોવાયેલા સામાનની ફરિયાદ નોંધાવી. પોલીસે તપાસ શરૂ કરી પરંતુ ગુનેગાર સુધી પહોંચી શકવાના કારણે સમરી રિપોર્ટ ફાઈલ કર્યો. 1998માં હીરાબેને મહેસાણા જિલ્લાની કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ ફોરમમાં GSRTC સામે કેસ કર્યો. હીરાબેને દાવો કર્યો કે તેમના સામાનની કિંમત 3.08 લાખ રૂપિયા જેટલી હતી અને તેમણે તેના બિલ પણ રજૂ કર્યા.

હીરાબેનના સામાનનો વિમો હોવાથી કોર્ટે સ્ટાન્ડર્ડ ડિડક્શન પ્રોસેસ અનુસરી અને 2010માં GSRTCને 2.15 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો. સાથે GSRTCને પેસેન્જરને માનસિક સંતાપ બદલ 7,500 રૂપિયા અને કાયદાકીય ખર્ચા પેટે 5,000 રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો. આદેશને 2011માં GSRTC પડકાર્યો. કમિશન સામે 7 વર્ષ સુધી અરજી પેન્ડિંગ રહી. GSRTCની દલીલ હતી કે, કોઈપણ પેસેન્જર કિંમતી સામાનવાળી બેગ લગેજ કમ્પાર્ટમેન્ટમાં મૂકે. જો કે કમિશને GSRTCની અપીલ નકારી અને પેસેન્જરના સામાનની સુરક્ષા માટે તે જવાબદાર હોવાનું જણાવ્યું.

(6:05 pm IST)