Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

અમદાવાદમાં ટ્રાફિક પોલીસની ઝુંબેશમાં કોર્પોરેશન-ઇન્‍કમટેક્ષ વિભાગના કર્મચારીઓ પણ ઝપટમાં: ૯૭૧ મેમા ફાડીને રૂ.૧.૦૭ લાખના દંડની વસુલાત

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચાલી રહેલી ટ્રાફિક ડ્રાઈવનો ભાગ હશે પરંતુ તેના કર્મચારીઓ ટ્રાફિકના નિયમો પાળવામાં ઉણા ઉતર્યા છે. ગુરુવારે ટ્રાફિક વિભાગે સરકારી ઓફિસોમાં ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરી. AMCની દાણાપીઠમાં આવેલી ઓફિસ, રિઝર્વ બેંક ઓફ ઈંડિયા, ઈન્કમ ટેક્સ ઓફિસ સહિતની સરકારી કચેરીઓમાં ડ્રાઈવ ચલાવી. ટ્રાફિક પોલીસે 971 મેમો આપીને સરકારી કચેરીઓના કર્મચારીઓ પાસેથી 1.07 લાખનો દંડ વસૂલ્યો. ટ્રાફિક વિભાગના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, દરેક સરકારી કચેરીમાં ડ્રાઈવ ચલાવાશે અને નિયમો તોડનાર સામે પગલા લેવાશે.

એક સીનિયર અધિકારીએ આપેલી માહિતી મુજબ ડ્રાઈવ ટ્રાફિક DCP અક્ષયરાજ મકવાણાએ શરૂ કરી છે. તેમને માહિતી મળી હતી કે ગવર્મેન્ટ સ્ટાફ દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલન નથી કરવામાં આવી રહ્યું. અલગ અલગ ટીમ બનાવીને સવારે 9.30 કલાકે જ્યારે સરકારી કર્મચારીઓ ઓફિસે આવવા લાગ્યા ત્યારે ડ્રાઈવ શરૂ કરવામાં આવી.

RBI ખાતે નો-પાર્કિંગ ઝોનમાં વાહનચાલકો વાહન પાર્ક કરતાં ઝડપાયા. ઈન્કમ ટેક્સ વિભાગના એડિશનલ કમિશ્નરના ડ્રાઈવરે કાર ચલાવતી વખતે સીટ બેલ્ટ પહેર્યો હોવાથી તેની પાસેથી 1,000 રૂપિયા દંડ લેવાયો. ઓફિસર તે સમયે કારમાં નહોતા. ટ્રાફિક પોલીસને ડ્રાઈવ દરમિયાન જાણવા મળ્યું કે મોટાભાગના સરકારી કર્મચારીઓ હેલ્મેટ નથી પહેરતા અને ડ્રાઈવિંગ લાઈસન્સ, આરસી બુક વગેરે જેવા ડોક્યુમેન્ટ્સ પણ સાથે નથી રાખતા.

બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર કે. ડી. નકુમે જણાવ્યું કે, “આગામી દિવસોમાં પણ ડ્રાઈવ ચાલુ રહેશે. અમે ટ્રાફિક અવેરનેસ લાવવા DCP લેવલથી શરૂ કરીને તમામ સરકારી કર્મચારીને પત્ર લખવાનું પ્લાનિંગ કરીએ છીએ. બે કલાકની ડ્રાઈવમાં અમે નિયમોનો ભંગ કરનારા કર્મચારીઓ પાસેથી દંડ પેટે મોટી રકમ એકઠી કરી છે.

(6:04 pm IST)