Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

આણંદ જિલ્લામાં ઠેર ઠેર ધમધમતા શ્રાવણીયા જુગારધામ પર પોલીસે ઓચિંતાના દરોડા પાડી 15થી વધુ જુગારીઓને દબોચ્યા

આણંદ : શ્રાવણ માસ દરમિયાન આણંદ જિલ્લામાં શ્રાવણિયા જુગારની બદી વકરી છે. પોલીસે ગઈકાલે ત્રણ અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી શ્રાવણિયો જુગાર રમતા પંદર જેટલા શકુનિઓને ઝડપી પાડી જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આણંદ શહેરના નાની ખોડીયાર વિસ્તારમાં આવેલ ગંગદેવ નગર ખાતે કેટલાક શખ્સો એકત્ર થઈ પાના-પત્તાનો હારજીતનો જુગાર રમી રહ્યા હોવાની ગુપ્ત બાતમી આણંદ શહેર પોલીસને મળી હતી. જેથી પોલીસે બાતમીવાળા સ્થળે ઓચિંતો છાપો મારતા જુગાર રમી રહેલ શખ્સોમાં નાસભાગ મચી ગઈ હતી. પોલીસે કોર્ડન કરી સ્થળ પરથી પાના-પત્તાનો જુગાર રમતા કાનભાઈ હરખાભાઈ પ્રજાપતિ, આશીષ માવજીભાઈ પ્રજાપતિ, ભરતભાઈ ટપુભાઈ પ્રજાપતિ, જીજ્ઞોશભાઈ જેઠભાઈ પ્રજાપતિ અને નિતીનભાઈ બાબુભાઈ પ્રજાપતિને રંગેહાથ ઝડપી પાડયા હતા. પોલીસે તેઓની અંગઝડતી  તેમજ દાવ પરથી રૂા.૧૦,૫૦૦ કબ્જે લઈ તમામ વિરુધ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.અન્ય બનાવમાં ઉમરેઠ તાલુકાના વણસોલ ગામે સાઈઠઘરા વિસ્તારમાં કેટલાક શખ્સો પાના-પત્તાનો હારજીતનો જુગાર રમી રહ્યા હોવાની બાતમીને આધારે ભાલેજ પોલીસે છાપો મારતા સ્થળ પરથી પાના-પત્તાનો હારજીતનો જુગાર રમતા વિષ્ણુભાઈ ચીમનભાઈ સોલંકી, નટવરભાઈ કાનજીભાઈ સોલંકી, કનુભાઈ રમેશભાઈ સોલંકી અને કિરણભાઈ રમેશભાઈ સોલંકી ઝડપાઈ જવા પામ્યા હતા. પોલીસે રોકડા રૂા.૧૩૦૦ જપ્ત કરી તમામ વિરુધ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અન્ય એક બનાવમાં રાંદેલ તલાવડી મોટા ખેતરમાં કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા હોવાની બાતમી ભાલેજ પોલીસને મળતા પોલીસે બાતમીવાળા સ્થળે ઓચિંતો છાપો માર્યો હતો.

(7:31 pm IST)