Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

વસો તાલુકાના મિત્રાલ ગામ નજીક ચારેક દિવસથી હાડકાયેલ વાનરે દસ શખ્સોને બચકા ભરતા લોકોમાં ભયનો માહોલ

નડિયાદ : વસો તાલુકાના મિત્રાલ ગામમાં ચારેક દિવસથી એક વાનર હડકાયો થયો છે. આ હડકાયા વાનરે બે બાળકો સહિત દસ જેટલા ઇસમોને બચકા ભરતા લોહી લુહાણ થઈ ગયા હતા. જેથી વાનરના આતંકનો ભોગ બનેલાઓને સારવાર માટે નડિયાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હડકાયા વાનરે ભારે આતંક મચાવતા ગામમાં ભયનો માહોલ સર્જાયો છે.

વસો તાલુકાના મિત્રાલ ગામમાં છેલ્લા ચારેક દિવસથી એક હડકાયા વાનરે ભયનું વાતાવરણ સર્જ્યું છે. આ હડકાયા થયેલા વાનર શરૂઆતમાં નવાપુરા ઇન્દિરા નગરીમાં અવરજવર કરતા એકલદોકલ વ્યક્તિ પર હુમલા કરતો હતો. આ હડકાયા વાનરે છેલ્લા બે દિવસથી ભારે આતંક મચાવતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ વાનરે ઇન્દિરા નગરીમાં રહેતા જહીરખાન કરીમખાન પઠાણ,  વિષ્ણુભાઈ ભામાભાઈ ચુનારા, રંજનબેન ગુલાબભાઈ પરમારને શરીર ઉપર બચકા ભરતા લોહી લુહાણ થઈ ગયા હતા જેથી વાનર નો આતંક નો ભોગ બનેલાઓને સારવાર માટે નડિયાદની હોસ્પિટલમાં  ખસેડવામાં આવ્યા હતા. આ  હડકાયા વાનર અંગે સરપંચે વન વિભાગને જાણ કરતા નડિયાદ વન વિભાગ દ્વારા ગઈકાલે શુક્રવારે વાનરને પકડવા પાંજરું મૂકવામાં આવ્યું હતું, પરંતુ આ વાનરને પાંજરે પુરવામાં વન વિભાગને સફળતા મળી ન હતી. આ હડકાયા વાનરે  આજે શનિવારે સવારે ગામમાં ખ્રિસ્તી વાસમાં રહેતા સચિન સંજયભાઈ ખ્રિસ્તી તેમજ જોયા ઈમ્તિયાઝ દીવાન ( ઉંમર છ વર્ષ) નામની બાળકીને ઘરમાં ઘૂસી જઈ શરીર ઉપર બચકા ભરતા લોહી લુહાણ થઈ ગઈ હતી. આ હડકાયા વાનરે મિત્રાલ ગામમાં તેમજ ઇન્દિરા નગરી વિસ્તારમાં એક સ્થળેથી બીજા સ્થળે જઈ હુમલા કરતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. હડકાયા વાનર થી બચવા લોકોને ઘરના બારી બારણા બંધ કરી ઘરમાં પુરાઈ રહેવાની ફરજ પડી છે. છેલ્લા ચારેક દિવસથી હડકાયા થયેલા વાનરે ઉપરા છાપરી લોકોને બચકા ભરી ઘાયલ કરવાના બનાવો વધતા વન વિભાગના અધિકારી વિક્રમસિંહ વાળા પોતાની ટીમ સાથે વાનર ને પકડવા બે દિવસથી દોડધામ કરી રહ્યા છે. આ હડકાયા વાનર ઉગ્ર બનતા વન વિભાગ નડિયાદ દ્વારા આનંદથી નેચરલ ફાઉન્ડેશનની ટીમને મદદ માટે બોલાવવામાં આવી છે. આજે આ ટીમ દ્વારા એક વાનરને પકડવામાં આવ્યો છે, ત્યારે સ્થાનિક રહીશો હડકાયા ને બદલે અન્ય વાનરને પકડયો  હોવાનું જણાવી રહ્યા છે.આ અંગે વન વિભાગના અધિકારી વિક્રમભાઈ વાળાએ જણાવ્યું છે કે લોકોની રજુઆત મુજબ તોફાની વાનરને પકડવા અમારી ટીમ કામગીરી કરી રહી છે.

(7:30 pm IST)