Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

સુરત પાલિકાની સંકલન બેઠકમાં પૂર્વ મંત્રી અને ધારાસભ્‍ય કુમાર કાનાણી આકરા પાણીએઃ વહીવટી તંત્રને આડેહાથ લીધા

રસ્‍તા, દબાણ, સર્વિસ રોડ સહિતના પ્રશ્ને આક્રોશ ઠાલવ્‍યો

સુરતઃ સુરતના ધારાસભ્‍ય અને પૂર્વ મંત્રી કુમાર કાનાણીએ વિવિધ પ્રશ્નો ઉકેલવા તંત્રને બરાબરના આડેહાથ લીધા છે.

પાલિકામાં ધારાસભ્યોની સંકલન બેઠક યોજાઈ હતી. જેમાં વરાછાના ધારાસભ્ય અને સરકારના માજી મંત્રી કુમાર કાનાણીએ પોત પોતાના વિસ્તારના લોકપ્રશ્નો મુદ્દે અધિકારીઓ સામે રોષ વ્યક્ત કર્યો હતો. અધિકારીઓના એકને એક જવાબો સાંભળી માજી મંત્રી કુમાર કાનાણીએ આક્રમક વલણથી જવાબ આપ્યા હતા.

ધારાસભ્ય કુમાર કાનાણી અધિકારીઓની કામગીરીથી નારાજ હોવાથી સોશિયલ મીડિયાના માધ્યમથી તેમણે રોષ વ્યકત્ કર્યો હતો. સુરત શહેર અને ખાસ કરીને વરાછા વિધાનસભા અને મત વિસ્તારના જર્જરિત રોડને મુદ્દે મનપા ખાતે સાસંદ અને ધારાસભ્યની સંકલન બેઠક મળી હતી. જેમાં વરાછાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી કુમાર કાનાણીએ વહીવટી તંત્રની બરાબરની આડેહાથ લીધી હતી. તેમના દ્વારા વરાછા મેઈનરોડ, વલ્લભ આચાર્ય રોજ, સીમડા વગેરે મુખ્ય માર્ગો પર સર્વિસ રોડની જગ્યા પર પ્રાઈવેટ ટ્રાન્સપોર્ટરો, શાળા ટ્રાન્સપોર્ટેશનની બસો અને આ પ્રકારનું દબાણ ન હોય તો લારી, ગલ્લા, શાકભાજીવાળા વગેરેનું દબાણ હોય છે. તેમજ 90 ટકા સર્વિસ રોડનો ઉપયોગ સામાન્ય પ્રજા ટ્રાન્સપોર્ટરો અને લારી ગલ્લાના દબાણોને કારણે કરી શકતી ન હોવાનું જણાવ્યું હતું.

આ મુદ્દે કુમાર કાનાણીએ કહ્યું હતું કે, 25 વર્ષથી સરકારી જવાબો સાંભળીને થાકી ગયા છીએ. હવે પરિણામ જોઈએ, ખોટા વાયદા નહીં. મારા વરાછા વિસ્તારમાં મેઈન રોડને રીકાર્પેટ કરવાની વાત કરીતો અધિકારીઓએ રોડ સારૂ હોવાનું જણાવ્યું હતું. અને જ્યાં એકદમ સારો રોડ હતો. છતાંય ત્યાં રીકાર્પેટ કરવામાં આવ્યું. રીકાર્પેટ કર્યા બાદ પહેલા વરસાદમાં જ આખો રોડ ધોવાઈ ગયો હતો. હું ચૂંટાયેલો પ્રતિનિધિ છું. લોકો મારી પાસે ફરિયાદો લઈને આવે છે. જેથી મારે પરિણામ જોઈએ છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અધિકારીઓએ જાતે જ કામ કરવું જોઈએ. તેઓ માત્ર જવાબો જ આપે છે. મારા કહ્યા બાદ એ કામ તાત્કાલિક થઈ જવું જોઈએ મારું બસ એટલું જ કહેવું છે. પરંતુ અધિકારીઓએ માત્ર જવાબો જ આપે છે. મારે જવાબ નહિ પરિણામ જોઈએ છે. મારા વિસ્તારના લોકોએ મને પ્રતિનિધિ તરીકે પસંદ કર્યો છે. એટલે હું તેમના તરફથી અવાજ ઉઠાવતો રહીશ. અધિકારીઓએ કામ તો કરવું જ પડશે.

 કુમાર કાનાણીએ આક્રમક થઈ કહ્યું,વરાછા વિસ્તારમાં વલ્લભાચાર્ય રોડ,સીમાડા નાકા સહિતના અનેક વિસ્તારોમાં ખાનગી મિલકતોનું ડિમોલિશન કરી રસ્તા પહોળા કરવામાં આવ્યા છે. ખુલ્લી જગ્યાએ સર્વિસ રોડ બનાવવામાં આવ્યા છે. આ સર્વિસ રોડ ઉપર ટ્રેકટર, ટ્રકનું ગેરકાયદેસર પાર્કિંગ કરી દબાણ થઈ રહ્યું છે. જેને પગલે વાહનચાલકો સર્વિસ રોડનો ઉપયોગ કરી શકતા નથી. આ પ્રકારના દબાણો કેમ દૂર થતાં નથી.

વહીવટી તંત્રને આડેહાથ લેતા કહ્યું હતું કે, સરથાણામાં બાંધકામ અને દબાણો મુદ્દે ઝોનના અધિકારીઓ શંકાના દાયરાંમાં છે. ધારાસભ્યોની સંકલન મીટીંગમાં છેલ્લા થોડા સમયથી દબાણો વધ્યા હોવાથી ફરિયાદ થઈ હતી. નાના વરાછા વિસ્તારમાં નવ જેટલી સોસાયટીઓની અવર-જવર ધરાવતા એક ટીપી રોડ પર તબેલાઓનું સંપૂર્ણ દબાણ છે. પગપાળા જનારા લોકોને રોડ ક્રોસ કરવામાં પણ મુશ્કેલી થઈ રહી છે.

(5:58 pm IST)