Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

વડોદરામાં તંત્ર દ્વારા પાણી ભરેલા ખાડામાં ડામરથી પેચવર્ક કરતા કોન્‍ટ્રાક્‍ટર અને અધિકારીઓની કામ કરવાની અણઆવડત ખુલ્લી પડી

જાગૃત નાગરિકે વીડિયો બનાવી સોશ્‍યલ મીડિયામાં વાયરલ કરતા વિપક્ષોએ અધિકારીઓ પર સવાલ ઉઠાવ્‍યા

વડોદરાઃ વરસાદી પાણીની વડોદરામાં ઠેર ઠેર ગાબડા પડતા પાણી ભરેલા ખાડામાં ડામર નાખી પેચવર્ક કરતા કોન્‍ટ્રાક્‍ટરો અને અધિકારીઓનું કામ કરવાની અણઆવડત સવાલો ઉઠયા છે. જાગૃત નાગરિકે વીડિયો બનાવી સોશ્‍યલ મીડિયામાં વાયરલ કરતા વિપક્ષઓ અધિકારીઓ પર પ્રશ્નોનો મારો ચલાવ્‍યો છે.

પાલિકાના કોન્ટ્રાકટર અને અધિકારીના બુદ્ધિનું પ્રદર્શન છતું થયું છે, જેમાં પાણી અને ડામરને એકબીજા સાથે દુશ્મનીનો નાતો હોવા છતાં કોન્ટ્રાક્ટરે વરસતા વરસાદમાં પાણી ભરેલા ખાડામાં ડામર નાખી પેચવર્ક કરવાનો મામલો સામે આવતા સમગ્ર વિવાદ ઉભો થયો છે.

વડોદરામાં ચોમાસામાં વરસાદના કારણે રોડ પર ઠેર ઠેર ખાડા પડ્યા છે. ખાડાના કારણે પાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ, શાસકો અને કોન્ટ્રાક્ટરની પોલ ન પકડાઈ જાય તે માટે પાલિકા વરસતા વરસાદમાં પણ ડામર નાખી ખાડાનું પેચવર્ક કરી રહી છે. તાજેતરમાં વાડી રંગમહાલ વિસ્તારમાં મુખ્ય રોડ પર પાણી ભરેલા ખાડામાં ડામર નાખી પેચવર્ક કરવાનો મામલો સામે આવ્યો છે. જેમાં વરસતા વરસાદમાં પાણી ભરેલા ખાડામાં ડામર નાખી પેચવર્ક કરવામાં આવતું હતું, તે દરમિયાન સ્થાનિક જાગૃત નાગરિકે વિડિયો બનાવી વિડિયો સોશીયલ મીડીયામાં વાયરલ કર્યો છે, જેના કારણે પાલિકાના ભ્રષ્ટ શાસકો અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરના બુદ્ધિનું પ્રદર્શન છતું થયું અને તમામની પોલ પકડાઈ ગઈ.

પાણી ભરેલા ખાડામાં ડામરથી પેચવર્ક કરવામાં આવતાં વિપક્ષે શાસકો અને અધિકારીઓ પર સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસે પેચવર્કની કામગીરીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો, સાથે જ ખરાબ રોડ મામલે પોતાની પોલ ન પકડાય તે માટે ઉતાવળે પેચવર્કની કામગીરી કરતાં હોવાનો પણ આક્ષેપ કર્યો. તેમજ ચોમાસામાં ડામરનો પ્લાન્ટ કેમ ચાલુ કર્યો તેવો વેધક સવાલ પણ પૂછ્યો. મહત્વની વાત છે કે સમગ્ર વિવાદ મામલે શાસક પક્ષ અને અધિકારીઓનો જવાબ લેવા સંપર્ક કર્યો પણ કેમેરા સામે બોલવાનો તમામે ઇનકાર કર્યો હતો.

પાણી ભરેલા ખાડામાં ડામરથી પેચવર્ક કરતાં શાસક પક્ષ અને અધિકારી ઘોંચમાં મુકાયા છે. જેને લઇ તેવો મીડિયાના સવાલોના જવાબ આપવાથી બચતા ફરી રહ્યા છે. પણ જવાબદાર અધિકારી કે કોન્ટ્રાકટર સામે કાર્યવાહી કરવાની કોઈજ તસ્દી નથી લઈ રહ્યા. ત્યારે પ્રજાના નાણાંનો આવો વેડફાટ કેટલો યોગ્ય તે સવાલ ઉઠવા પામ્યો છે

(5:53 pm IST)