Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

મણિલાલ કોઠારીની ૧૩૨મી જન્‍મજયંતિ અવસરે વિરમગામમાં ભાવાંજલિ અર્પણ

અગ્રગણ્‍ય સ્‍વાતંત્ર્ય સેનાની, લોકસેવક, મહાત્‍મા ગાંધી અને સરદાર વલ્લભભાઇ પટેલના નિકટના સાથી : વિવિધ રાષ્ટ્રીય પ્રવૃત્તિઓ માટે ફંડ-ફાળો એકત્રિત કરવામાં સદા અગ્રસર મણિલાલ કોઠારીને મહાત્‍મા ગાંધીએ ‘રાષ્ટ્રીય ભિક્ષુક'ના બિરૂદથી નવાજેલા : મહાત્‍મા ગાંધીની પ્રેરણાથી ૧૯૩૦ના ઐતિહાસિક વિરમગામ સત્‍યાગ્રહનું મણિલાલ કોઠારીએ સુકાન સંભાળેલું

અગ્રગણ્‍ય સ્‍વાતંત્ર્ય-સેનાની, લોકસેવક, મહાત્‍મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલના નિકટના સાથી મણિલાલ કોઠારીની ૧૩૨જ્રાક જન્‍મજયંતી અવસરે અમદાવાદ જિલ્લાના વિરમગામ સ્‍થિત તાલુકા સેવા સદન પરિસરમાં ૧૯૩૦ના ઐતિહાસિક વિરમગામ સત્‍યાગ્રહની સ્‍મૃતિરૂપે સ્‍થાપિત કલાત્‍મક તકતી ખાતે ભાવાંજલિ અર્પણ થઈ. મહાત્‍મા ગાંધી, મણિલાલ કોઠારી, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના રેખાચિત્રો, વિરમગામ સત્‍યાગ્રહનો ઈતિહાસ અને તેમાં સામેલ અગ્રણી સ્‍વાતંત્ર્ય-સેનાનીઓનું આલેખન આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત સ્‍થાપિત કરાયેલી ૪.૫×૪.૫ ફૂટની કાળા ગ્રેનાઈટની આ તકતીમાં કરાયું છે.  

વિવિધ રાષ્ટ્રીય પ્રવૃત્તિઓ માટે ફંડ-ફાળો એકત્રિત કરવામાં સદા અગ્રસર અને મહાત્‍મા ગાંધીએ જેમને રાષ્ટ્રીય ભિક્ષુકના બિરુદથી નવાજેલા તેવા પ્રખર ધારાશાષાી મણિલાલ કોઠારીનો જન્‍મ ૦૭ ઓગસ્‍ટ ૧૮૯૦ (જન્‍માષ્ટમી)ના રોજ સુરેન્‍દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ભડકવા-ભૃગુપુરમાં થયો હતો. જોરાવરનગર-વઢવાણ નિવાસી મણિલાલ કોઠારીનું આઝાદી પહેલાં ૧૧ ઓકટોબર ૧૯૩૭ના રોજ અમદાવાદ ખાતે અવસાન થયું હતું. 

વિરમગામ મદદનીશ કલેકટર દીપેશ કેડીયા (આઈએએસ), મણિલાલ કોઠારી પરિવારમાંથી દોહિત્રી અને સરલાબેન - રમેશભાઈ મોદીના અમેરિકા સ્‍થિત પુત્રી અનારબેન અક્ષયભાઈ શાહ તથા લોકસેવક, સ્‍વાતંત્ર્ય-સેનાની સ્‍વ. વજુભાઈ શાહ અને લોકસેવિકા, પૂર્વ સાંસદ સ્‍વ. જયાબેન શાહના વૈજ્ઞાનિક પુત્ર ડો. અક્ષયભાઈ શાહ, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્‍મૃતિ સંસ્‍થાનના સ્‍થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી, પૂર્વ ધારાસભ્‍ય વજુભાઈ ડોડીયા, મામલતદાર પી. એમ. ભટ્ટની વિશેષ ઉપસ્‍થિતિ રહી હતી. ઐતિહાસિક વિરમગામ રેલ્‍વે સ્‍ટેશન અને કોઠારીબાગની સહુએ મુલાકાત લીધી હતી. સમસ્‍ત મણિલાલ કોઠારી પરિવાર વતી અનારબેન - અક્ષયભાઈ શાહએ અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાગલે (આઈએએસ), નિવાસી અધિક કલેકટર પી. બી. પંડ્‍યા (આઈએએસ), વિરમગામ મદદનીશ કલેકટર દીપેશ કેડીયા (આઈએએસ) અને સમગ્ર અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રનો આભાર માન્‍યો હતો તથા કોઠારીબાગનો સુયોગ્‍ય રીતે જીર્ણોધ્‍ધર થાય તેવી લાગણી વ્‍યક્‍ત કરી હતી. મણિલાલ કોઠારીની પુણ્‍યસ્‍મૃતિમાં કર્મભૂમિ સુરેન્‍દ્રનગર-વઢવાણ-જોરાવરનગર તથા જન્‍મભૂમિ ભૃગુપુર ખાતે પણ આગામી સમયમાં તક્‍તીની સ્‍થાપના કરવામાં આવશે. નવી પેઢી આપણાં સ્‍વાતંત્ર્ય-સંગ્રામ અને સ્‍વાતંત્ર્ય-સેનાનીઓથી પરિચિત-પ્રેરિત થાય તેમજ દેશભક્‍તિની ભાવનાનું સંસ્‍કાર-સિંચન થાય તે માટે પિનાકી મેઘાણી - ઝવેરચંદ મેઘાણી સ્‍મૃતિ સંસ્‍થાન સવિશેષ કાર્યરત છે.

  મણિલાલ કોઠારીની આગેવાની હેઠળ ૦૬ એપ્રિલ ૧૯૩૦ના રોજ વિરમગામ સત્‍યાગ્રહનો આરંભ થયો હતો. પોતાનાં ધર્મપત્‍ની મણિબહેનનાં અણધાર્યાં દુઃખદ અવસાનનાં દર્દને દિલમાં દબાવીને, કાળજું કઠણ કરીને, માતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી ત્રણ પુત્રીઓ નવલબેન, સરલાબેન અને કુસુમબેનને એકલાં મૂકીને, રાષ્ટ્રધર્મ તથા ગાંધીજીની આજ્ઞાને સર્વોચ્‍ચ પ્રાધાન્‍ય આપીને મણિલાલ કોઠારીએ વિરમગામ સત્‍યાગ્રહની આગેવાની સ્‍વીકારી હતી. સમસ્‍ત કાઠિયાવાડમાંથી એકત્રિત થયેલા હજારો સત્‍યાગ્રહીઓમાંથી ૫૫ સાથીદારો સાથે, હાથમાં મીઠું લઈને, મુખ્‍ય છાવણી વઢવાણ કેમ્‍પથી ટ્રેનમાં બેસીને વિરમગામ સ્‍ટેશને પહોચતાં જ મણિલાલ કોઠારીની ધરપકડ કરવામાં આવી હતી. મણિલાલ કોઠારીએ હ્રદયસ્‍પર્શી આહ્‌વાન આપ્‍યું હતું : ટોળે-ટોળાં ઉતરી પડજો. સરકાર ધરાઈ જાય તેટલી સંખ્‍યામાં જેલો ભરી કાઢજો. ભારતને જો પરાધિનતામાંથી બચાવવું હશે તો ગાંધીજીની આજ્ઞાને ઉઠાવજો અને દેશની આઝાદીના આ મહાન યજ્ઞમાં પૂર્ણ ફાળો આપજો. (૨૧.૧૪)

આલેખન : પિનાકી નાનકભાઈ મેઘાણી

 ઝવેરચંદ મેઘાણી સ્‍મૃતિ સંસ્‍થાન

(મો. ૯૮૨૫૦૨૧૨૭૯)

(11:55 am IST)