Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

રાજપીપળા આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં મહિલા કલ્યાણ દિવસની ઉજવણી કરાઇ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ઉજવાઈ રહેલા ‘નારી વંદન ઉત્સવ’ ને અનુલક્ષીને નાંદોદ તાલુકામાં મહારાજા રાજેન્દ્રસિંહજી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે "નારી વંદન ઉત્સવ" અંતર્ગત મહિલા જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મહિલાઓને કાયદાકીય બાબતો અને મહિલાલક્ષી યોજનાઓથી વાકેફ કરાવવા તેમજ માર્ગદર્શન આપવા અંગે જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી સુશ્રી હસીનાબેન મન્સુરીના અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે હસીનાબેન મન્સુરીએ જણાવ્યું કે, આજની મહિલા દરેક ક્ષેત્રે આગળ વધી પરિવાર સાથે દેશને વિશ્વફલક પર ગૌરવાંવિત કરવા માટે સક્ષમ છે. મહિલાઓને મદદની નહીં માત્ર તકની જરૂર છે. આ તક દરેક મહિલાઓને મળે તે માટે સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓ અમલી બની છે જે વિશે જાગૃત થવાની જરૂર છે. વધુમાં તેઓએ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ બહેનોને વિવિધ યોજનાકીય લાભ વિશે માહિતગાર કરી તેઓ રાષ્ટ્રનિર્માણમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપી શકે તે માટે પ્રોત્સાહિત કર્યા હતા.
‘નારી વંદન ઉત્સવ’ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.એ.કે. એસ. સુમને ઉમેર્યું કે, મહિલાઓએ તમામ બાબતો સહિત આરોગ્ય વિષયક શિક્ષણથી વાકેફ થવુ પણ એટલુ જ જરૂરી છે. વધુમાં તેઓએ દરેકને આરોગ્યની સંભાળ રાખવા સહિત આરોગ્યને લગતી બાબતોથી માહિતગાર કર્યા હતા. તદ્ઉપરાંત કાર્યક્રમમાં ઉપસ્થિત અન્ય મહાનુભાવોએ પણ મહિલાઓની સુરક્ષાને લઈને માર્ગદર્શન પુરું પાડયું હતું.      
આ કાર્યક્રમમાં શ્રી એમ. આર. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના આચાર્ય એસ.જી માંગરોલા, નર્મદા ફિલ્ડ ઓફિસર ભરતભાઈ ડાભી, તિલકવાળા બાળ વિકાસ યોજનાના અધિકારી મોસમબેન પટેલ, નાંદોદ તાલુકા કાનુની સેવા સમિતિના વકીલ ભામીનીબેન રામી, રાજેન્દ્રભાઈ ગોહિલ,હિરલબેન વસાવા, દિપીકાબેન ચૌધરી, જિગીશાબેન, બાળ વિભાગના અધિકારી ચેતનભાઈ પરમાર સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

(10:10 pm IST)