Gujarati News

Gujarati News

News of Sunday, 9th August 2020

અમદાવાદની અડધોઅડધ કોવિડ હોસ્પિટલો ફાયર સેફ્ટી વિહોણી

70 પૈકી 35 હોસ્પિટલોને ફાયર વિભાગની નોટિસ:19 હોસ્પિટલોને કડક પગલાંનો આદેશ : ચકાસણી વિના જ હોસ્પિટલો સાથે MoU થયા

અમદાવાદઃ  અમદાવાદની નવરંગપુરાની શ્રેય હોસ્પિટલમાં 8 લોકોનો જીવ લેનારી આગની ઘટના બાદ સરકારી અને ફાયર વિભાગે સફાળા જાગી કાર્યવાહી શરુ કરી છે. જેમાં છેલ્લા 2 દિવસમાં જણાયું કે શહેરની 50% હોસ્પિટલો ફાયર સેફટી સિસ્ટમ (Fire safety system) વિના જ ચાલી રહી છે. એટલે આગ લાગવાની શક્યતા છતાં કોઇ તેના પ્રત્યે ગંભીર નથી.

શ્રેય સિવાયની કોવિડ 19 હોસ્પિટલો તરીકે પસંદ કરાયેલી હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી સિસ્ટમ કે પછી ફાયર બ્રિગ્રેડની NOC ધરાવે છે કે કેમ તે ચકાસવા માટેના ઉચ્ચ અધિકારીઓ તરફથી હુક્મો છૂટયા હતા. જેના ભાગરૂપે જ શુક્રવારે ચીફ ફાયર ઓફિસર એમ.એફ. દસ્તુરે પોતાના અધિકારીઓને કોવિડ 19 હોસ્પિટલોમાં કડક તપાસના આદેશ આપી દીધા હતા.

જેમાં ફાયર સેફ્ટી સિસ્ટમ કે NOC ધરાવતી ન હોય તેવી હોસ્પિટલો સાત દિવસમાં ફાયર સેફ્ટી સિસ્ટમની પ્રક્રિયા પૂર્ણ કરીને એનઓસી મેળવી લેવાની નોટિસો ફટકારી હતી. તેમાં 70માંથી 35 હોસ્પિટલોને નોટિસ આપવામાં આવી.છે

કોરોના મહામારીને ડામવા માટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને શહેરની હોસ્પિટલો સાથે કોવિડ 19ના દર્દીઓની સારવાર કરવા માટેના MoU (કરાર) કર્યા હતા. તે પૈકીની નવરંગપુરાની શ્રેય હોસ્પિટલમાં આગ ભભૂકી ઉઠી હતી. તેમાં ફાયર ઓફિસ તરફથી અપાયેલી એનઓસીની તારીખ પુર્ણ થઇ ગઇ હોવાની વાતો જાહેર થતાં અધિકારીઓ હાંફળા ફાંફળા થઇ ગયા હતા. ચકાસણી કર્યા વગર જ આ હોસ્પિટલો સાથે એમઓયુ થયાંનું બહાર આવ્યું હતું.

ફાયરબ્રિગ્રેડ તરફથી રેગ્યુલર ઇન્સ્પેકશન નહીં થતું હોવાની પણ ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી હતી. જેથી નિષ્ફળતાનું ઠીકરું ચીફ ફાયર ઓફિસર એમ.એફ. દસ્તુર પર ફોડાયું હતું. તમામ કોવિડ હોસ્પિટલોમાં તાત્કાલિક ચકાસણી કરવાના હુક્મો છુટયા હતા. જેના પગલે એમ.એફ. દસ્તુરે તાબાના સ્ટાફને તાત્કાલિક કોવીડ હોસ્પિટલો સહિતની હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી સીસ્ટમ છે કે કેમ તેની ચકાસણી કરવાના આદેશો જારી કર્યા હતા.

શુક્રવારે 68 હોસ્પિટલોમાં ફાયર સ્ટાફે ચકાસણી કરી હતી. તેમાં માત્ર 26 પાસે જ ફાયર સેફ્ટી સીસ્ટમ અથવા તો એન.ઓ.સી. હોવાની જાણકારી પ્રાપ્ત થઇ હતી. જેથી ચોંકી ગયેલાં ચીફ ફાયર ઓફીસરે ખાસ કરીને જે કોવિડ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી સીસ્ટમ કે એન.ઓ.સી. નથી તેમને સાત દિવસમાં ફાયર સેફ્ટી સીસ્ટમના સાધનો વસાવી લઇને ઓપરેટ કરીને એન.ઓ.સી. મેળવી લેવાની નોટીસો ફટકારવાનું શરૂ કર્યું હતું.

કોવિડ હોસ્પિટલોમાં સતત વધ ઘટ થતી હોવાથી કોર્પોરેશન સાથે એમ.ઓ.યુ. ધરાવતી હોસ્પિટલો કેટલી છે તે અંગે કોઇ પાસે જવાબ નથી. અને કોર્પોરેશનના હેલ્થ વિભાગના કાર્યકારી વડા ડો. ભાવિન સોંલકીનો બે વખત સંપર્ક કર્યો હતો. પરંતુ તેઓ સતત મીટીંગમાં વ્યસ્ત હોવાથી વાત થઇ શકી ન હતી. તેવી જ સ્થિતિ ચીફ ફાયર ઓફીસર એમ.એફ. દસ્તુર તરફથી તો ફોન પણ ઉપાડવામાં આવ્યો ન હતો કે મેસેજ પણ કોઇ કરવામાં આવતો ન હોવાથી કોઇ વાતચીત કરવાનું શક્ય થયું ન હતું.

આધારભૂત વર્તુળોના જણાવ્યા પ્રમાણે શહેરમાં અંદાજે 70 જેટલી કોવિડ હોસ્પિટલો છે. તેમાંથી 50 ટકા એટલે કે 35 જેટલી હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી સીસ્ટમ કે ફાયર વિભાગની એન.ઓ.સી. ઉપલબ્ધ ના હોવાની વિગતો પ્રાપ્ત થઇ છે. આ તમામ હોસ્પિટલોને સાત દિવસમાં ફાયર સેફ્ટી સીસ્ટમ અથવા તો સાધનો વસાવીને ઓપરેટ કરીને એન.ઓ.સી. લઇ લેવાની નોટીસો બજાવી દેવામાં આવી છે.વિજય રેસ્ટોરન્ટ નજીક આવેલા નવરંગપુરા ફાયર સ્ટેશનને અડીને જ આવેલી શૅલબી હોસ્પિટલમાં જ ફાયર સેફટી સિસ્ટમ કે ફાયર વિભાગની એન.ઓ.સી. નથી. પહેલા આ સ્ટેશન મેમનગર ગણાતું હતું. પાછળથી તેનું નામ નવરંગપુરા ફાયર સ્ટેશન કરાયું છે.

(11:32 pm IST)