Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

સુરતમાં કોરોનાના વકરતા કેસથી તંત્ર માટે ચિંતાઃ મહાનગરપાલિકા દ્વારા પ્રખ્‍યાત ડુમસ બીચ ઉપર આવવા-જવા ઉપર પ્રતિબંધ

સુરત: સુરતમાં હાલ કોરોનાના રાઈઝિંગ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. અનલોક-1 બાદ સુરતમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે અને રોજના 200 થી વધુ કેસો સામે આવી રહ્યા છે. કોરોનાનો સુરતમાં વધતો જતો કહેર તંત્ર માટે પણ ચિંતાનો વિષય છે. આવામાં સુરત મહાનગરપાલિક દ્વારા સુરતના ફેમસ ડુમસ બીચ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. શનિ, રવિ અને જાહેરરજાના દિવસે લોકોની અવર જવર માટે ડુમસ બીચ બંધ કરી દેવામાં આવ્યો છે. કોરોના વાયરસની સ્થિતિને લઈને તંત્ર દ્વારા આ નિર્ણય લેવાયો છે.

ઉલ્લેખનીય છે કે, શનિવાર અને રવિવારની રજામાં મોટી સંખ્યામાં લોકો ડુમસ બીચ પર આવતા હોય છે. રજાના દિવસોમાં ડુમસ બીચ પર ભીડ પણ થઈ જાય છે. આવામાં કોરોના સંક્રમણ ન વધે તે માટે તંત્ર દ્વારા આ જાહેરાત કરાઈ હતી. ગુજરાતભરમાં હજી પણ પર્યટન સ્થળો પર પ્રતિબંધ છે. પરંતુ બીચ પર અવરજવર માટે કોઈ પ્રતિબંધ નથી. આ કારણે દરિયા કિનારે ફરવા આવતા લોકોની સંખ્યા પણ વધી ગઈ છે. આવામાં કોરોના સંક્રમણ વધવાની શક્યતા વધુ હોય છે.

સુરત શહેરમાં કોરોનાના કેસોનો રાફડો ફાટ્યો છે. સુરતમાં છેલ્લાં 24 કલાકમાં 183 કેસ પોઝિટિવ નોંધાયા છે. તેમજ 5 દર્દી ના સારવાર દરમિયાન મોત નિપજ્યાં છે. સૌથી વધુ સુરતના રાંદેર ઝોનના 41 કેસ નોંધાયા છે. તો 24 કલાકમાં 242 લોકોને સારવાર બાદ ડિસ્ચાર્જ અપાયા છે.

(4:44 pm IST)