Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

વડોદરામાં ફરી એક વખત ગેસ રિફીલીંગનું કૌભાંડ ઝડપાયુઃ ભાજપના ધારાસભ્‍ય જીતેન્‍દ્ર સુખડીયાનો પુત્ર હિરેન સુખડીયા અને 2 કથિત પત્રકારોના નામ ચર્ચામાં

વડોદરા: વડોદરામાં ફરી એકવાર ગેસ રિફીલિંગનું કૌભાંડ ઝડપાયું છે. હેપ્પી હોમ ગેસ સર્વિસના ગોડાઉનમાંથી ફરી એકવાર કૌભાંડ ઝડપાયું છે. આ ગેસ એજન્સી ભાજપના સયાજીગંજના ધારાસભ્ય જીતેન્દ્ર સુખડીયાના પુત્ર હિરેન સુખડીયાની છે. અગાઉ પણ આ ગેસ એજન્સીમાંથી કૌભાંડ ઝડપાયું છે. ત્યારે ફરીએકવાર ધારાસભ્યનો પુત્ર ચર્ચામાં આવ્યો છે. ત્યારે આ કૌભાંડમાં મોટા ખુલાસા થયા છે.

હિરેન સુખડીયાએ ગેસ રીફીલિંગ કૌભાંડમાં સ્ફોટક ઘટસ્ફોટ કર્યાં છે. ગેસ રિફ્લિગમાં બે કથિત પત્રકારોની ગેંગ સામેલ છે. વિક્કી કહાર અને વૈકુંઠ પવાર ઉર્ફે દબંગની ગેંગ પણ તેમાં સામેલ છે. ગેસ એજન્સીના ટેમ્પો ચાલક પાસે હપ્તા માંગે છે. હપ્તાના કારણે ટેમ્પો ચાલક ગેસની ચોરી કરે છે. બંને ગેંગના ત્રાસથી વડોદરામાં ત્રણ ગેસ એજન્સી પણ બંધ થઈ ગઈ છે. હિરેન સુખડીયાને પણ ગેસ એજન્સી બંધ કરાવવાની ધમકી આપી હતી.

કારેલીબાગમાં આવેલ જલારામ નગરના ભરવાડ વાસમાં રીફિલિંગનું ગોડાઉન આવેલું છે. વડોદરા એસઓજી પોલીસે ગેસ રિફ્લીંગ કરતા કર્મચારીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે. એક ટેમ્પો સહિત 90 ભરેલા બોટલ જપ્ત કરવામાં આવ્યા છે. આ કૌભાંડમા એસઓજી પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. જેમાં જીગ્નેશ માળી, હેમંત માળી અને વિપુલ ભરવાડની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય આરોપી જયેશ ભરવાડ હાલમાં ફરાર છે. પોલીસે બે ટેમ્પો, 95 ઘર વપરાશના ગેસ બોટલ અને 14 કોમર્શિયલ બોટલ પકડ્યા છે. આ ઉપરાંત વજન કાંટા, રિફ્લિગના પાઇપ, બૂચ પોલીસે જપ્ત કર્યાં છે. લાખોનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. જોકે, એસઓજી પોલીસે ધારાસભ્ય જીતેન્દ્ર સુખડીયાના પુત્ર હિરેન સુખડીયાને આરોપી નથી બનાવ્યો. ધારાસભ્યના પુત્ર હિરેન સુખડીયાની હેપ્પી ગેસ સર્વિસ એજન્સીના બોટલ છે.

(4:36 pm IST)