Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

અમદાવાદમાં અગ્નિકાંડ બાદ ફાયર વિભાગ સફાળુ જાગ્‍યુઃ 62 કોવિડ હોસ્‍પિટલમાંથી 37 જેટલી હોસ્‍પિટલોમાં ફાયર એનઓસી ન હોવાનું ખુલ્‍યુ

અમદાવાદ :અમદાવાદના નવરંગપુરમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં આગ લાગ્યા બાદ ફાયર વિભાગ સફાળું જાગ્યું છે. ફાયર વિભાગ દ્વારા અન્ય કોવિડ હોસ્પિટલની તપાસ હાથ ધરાઈ છે. ફાયરવિભાગે તપાસ કરેલી 62 કોવિડ હોસ્પિટલમાંથી 37 જેટલી હોસ્પિટલ પાસેથી ફાયર NOC ના હોવાનું સામે આવ્યું છે. ત્યારે કહી શકાય કે આ 37 જેટલા હોસ્પિટલ જીવતા બોમ્બ સમાન છે.

કાંકરિયાની જનકલ્યાણ હોસ્પિટલ પાસે વર્ષ 2017થી ફાયર NOC ન હોવાનું તપાસમાં સામે આવ્યું છે. જોકે આ 37 હોસ્પિટલમાંથી કેટલીક હોસ્પિટલની ફાયર NOCની મર્યાદા લોકડાઉન દરમિયાન પૂર્ણ થઈ હોવાનું પણ સામે આવ્યું છે. 37માંથી 10 હોસ્પિટલ એવી સામે આવી જેમની પાસે ફાયર NOC અંગે માહિતી જ ન હતી.

તો બીજી તરફ, આ તપાસમાં ક્યાંક ખુદ ફાયર વિભાગ ભરાયું હતું. ફાયર વિભાગના છીંડા સામે આવ્યા હતા. ફાયર NOC રીન્યુ કરવા પણ કેટલીક હોસ્પિટલ તરફથી ફાયર વિભાગ અને સીટી સિવિક સેન્ટરોમાં અરજી કરાઈ હોવા છતાં ઈન્સ્પેકશન કે કોઈ કાર્યવાહી કરાઈ ન હતી. રિન્યુ અરજીમાં 4 મહિના થવા છતાં કોઈ કાર્યવાહી ના થતી હોવાનું પણ સામે આવ્યુ છે. જેથી ફાયર વિભાગ ખુદ પણ અંધારામાં છે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આમ, તપાસ કરીને ખુદ ફાયર વિભાગ ભેરવાયું છે.

સવાલ એ છે કે, જે કિસ્સાઓમાં ફાયર વિભાગનો વાંક છે, ત્યાં શું સરકાર દ્વારા જવાબદાર અધિકારીઓ સામે પગલા લેવાશે. અથવા તો શું એનઓસી વગર ધમધમતી હોસ્પિટલો સામે પગલા લેવાશે ?

(4:35 pm IST)