Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

દર્દીને બચાવવાનો પ્રયાસ કરતાં વોર્ડબોયે પહેરેલી પ્લાસ્ટીકની કીટ પણ સળગી ગઇ હતી

શ્રેય અગ્નિકાંડ : માસ્ક ખસતા ઓકસીજન હવામાં ફેલાયો અને આગ વિકરાળ બનીઃ હવામાં ઓકિસજન ફેલાવવા ઉપરાંત આઈસીયુ વોર્ડમાં રાખેલા સેનિટાઇઝરની બોટલોના કારણે આગ બેકાબુ બની

 અમદાવાદઃ શ્રેય હોસ્પિટલમાં આઈસીયુ વોર્ડમાં આગ લાગી હતી. જેમાં ૮ લોકોના  મોત થયા હતા. હવે માહિતી મળી છે કે આઈસીયુ વોર્ડમાં ઓકિસજન હવામાં ફેલાતા આગ ભડકી ઉઠી હતી. જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતુ.

શ્રેય હોસ્પિટલમાં ૭મી ઓગસ્ટે પરોઢે લગભગ ૩ વાગે આગ લાગી હતી. જેમાં ૮ દર્દી ભડથું થઈ ગયાં હતાં. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ શોટસર્કિટ દ્વારા લાગેલી આગથી બેડ નં ૯ દર્દીના વાળ સળગ્યા હતા. દર્દીને બચાવવાના પ્રયાસમાં વોર્ડ બોયે પહેરેલી પ્લાસ્ટિકની PPE કીટ સળગી ગઈ હતી. જેના કારણે અફરાતફડી મચી હતી પરિણામે દર્દીઓને લગાવેલા ઓકિસજન માસ્ક મોઢાં પરથી હટી ગયા હતા. જેથી ઓકિસજન હવામાં ફેલાયું અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતુ.

 શ્રેય હોસ્પિટલની આગ મામલે પોલીસે તપાસ હાથ ધરી એફએસએલ, ફાયર સહિતની ટીમોની મદદ લીધી હતી. એફએસેલના ફાઇનલ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. જે પછી આગળની કાર્યવાહી હાથ ધરાશે. પોલીસ તપાસ મુજબ હવામાં ઓકિસજન ફેલાવવા ઉપરાંત આઈસીયુ વોર્ડમાં રાખેલા સેનિટાઇઝરની બોટલોના કારણે સામાન્ય આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ.

(11:44 am IST)