Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

વડોદરામાંં ધારાસભ્ય જીતુભાઇ સુખડીયાના પુત્રની ગેસ એજન્સી ૧૧ માસમાં બીજી વાર ગેસ રીફીલીંગમાં સપડાઇ

ધારાસભ્યના પુત્રની ગેસ એજન્સી સામે શંકાની સોય ચીંધાતા રાજકારણ ગરમાયુ : એજન્સી સંચાલકની સંડોવણી છે કે પછી તેમની જાણ બહાર આ કૃત્ય થઇ રહયું છે? તેવી તમામ બાબતોની તલસ્પર્શી તપાસ કરી દુધનું દુધ અને પાણીનું પાણી કરીશું : એસઓજી પીઆઇ શ્રી સોલંકીની અકિલા સાથે વાતચીત

રાજકોટ, તા., ૮: વડોદરાના ધારાસભ્ય  જીતુભાઇ સુખડીયાના પુત્રની હેપ્પી હોમ્સ ગેસ એજન્સીમાં ૧૧ મહિનામાં બીજી વખત  ગેસ રીફીલીંગ કૌભાંડ ઝડપાવાના પગલે અનેક સવાલો ઉઠી રહયા છે. ગેસ રીફીલીંગ કૌભાંડ સંચાલકોની સંડોવણીથી થાય છે કે પછી તેમની જાણ બહાર? એવા તમામ સવાલોના જવાબ શોધવા માટે વડોદરા એસઓજી પીઆઇ શ્રી સોલંકી ટીમ કાર્યરત બની છે, અકિલા સાથેની વાતચીતમાં પીઆઇ શ્રી સોલંકીએ જણાવેલ કે તપાસમાં અમે દુધનું દુધ અને પાણીનું પાણી કરશું.

અત્રે યાદ રહે કે વડોદરા શહેર એસઓજી  ટીમે કારોલી બાગ, જલારામનગર વિસ્તારમાં  ગેસ રીફીલીંગ કરતા ત્રણ શખ્સોને પકડી પાડી ઘરેલુ અને કોમર્શીયલ ગેસના ૧૦૯ જેટલા બોટલ અને ટેમ્પો કબ્જે કર્યા હતા. એસઓજી દ્વારા દરોડા દરમિયાન રીફીલીંગ કરતા દિનેશ માળી, હેમંત માળી અને વિપુલ ભરવાડને ઝડપી લેવાયા છે.

પોલીસના કહેવા મુજબ ઉકત ત્રણેય શખ્સો નિઝામપુરામાં આવેલી ધારાસભ્ય જીતુભાઇ સુખડીયાના પુત્ર હિરેન સુખડીયાની હેપ્પી હોમ ગેસ એજન્સીમાંથી ગેસના બાટલા ભરીને આવી રહયાનુ઼ જણાવ્યું હતું. જયેશ ભરવાડના ઘર પાસે પણ રીફીલીંગ ચાલી રહયાનું તપાસમાં ખુલતા પોલીસે જયેશ ભરવાડની પણ શોધખોળ શરૂ કરવા સાથે તેને વોન્ટેડ જાહેર કર્યો છે.

ગત વર્ષના સપ્ટેમ્બર માસમાં પણ જીલ્લા પુરવઠા વિભાગની ટીમ દ્વારા ધારાસભ્ય જીતુભાઇ સુખડીયાના પુત્ર હિરેનની કહેવાતી ગેસ એજન્સી પર દરોડો પાડી ગેસ બોટલમાં રીફીલીંગ કરતા શખ્સો વિરૂધ્ધ ગુન્હો દાખલ કરી સંચાલક હિરેનને શોકોઝ નોટીસ આપવામાં આવી હતી. ગેસ રીફીલીંગના કૌભાંડમાં ધારાસભ્ય દરજ્જાના મહાનુભાવના પુત્ર પરના આક્ષેપથી રાજકારણ ગરમાયું છે.

(11:42 am IST)