Gujarati News

Gujarati News

News of Saturday, 8th August 2020

કેન્દ્ર સરકારની મજુર-જનસામાન્ય નિતીના વિરોધમાં

કાલે મજુર સંગઠનોનું 'ભારત બચાવો' આંદોલન

સંરક્ષણ- સ્પેસ- બેંક- વીમા- BSNLનું ખાનગીકરણ જોખમી : મોદી રાજમાં ૧૪ કરોડ લોકો બેકાર બન્યા

રાજકોટ,તા.૮ : કેન્દ્ર સરકારની તથા જનસામાન્ય નિતીના વિરોધમાં આવતીકાલે કેન્દ્રીય મજુર સંગઠનો ''ભારત બચાવો'' આંદોલન કરશે તેમ ગુજરાત બેંક વર્કસ યુનિયનના મહામંત્રી કે.પી. અંતાણીની એક યાદી જણાવે છે. સરકારેકોલસા ઉદ્યોગના કામદારોએ કોલસાની ખાણો ખાનગી માલિકોને સોંપવા અને સરકારના હાથ તેમાંથી ખંખેરવાની નિતી અપનાવેલ છે. સરકારના આ નિર્ણય સામે કોલસાની ખાણ ઉદ્યોગના કર્મચારીઓએ તા.૨-૩-૪ જુલાઈના રોજ સજજડ હડતાલ પાડેલ. તા.૧૮ ઓગષ્ટના રોજ ખાણોનાં બિડીંગ માટેની છેલ્લી તારીખ હોય કોલસા ઉદ્યોગના કામદારો હડતાલ પર જશે તેના ટેકામાં દેશવ્યાપી એકતા જાહેર કરવા મજુર સંગઠનોએ કાર્યક્રમ આપેલ છે અને શકય હોય ત્યાં હડતાલ પર જવાનું સુચન કરેલ છે.

દેશમાં કેટલાંક ઉદ્યોગો પુનઃકાર્યરત થયા છે પરંતુ બધા કામદારોને કામ પર લેવાયા નથી અને જે કામદારો કામ પર લેવાયા છે તે ઓછા વેતને લેવામાં આવેલ છે અને લોકડાઉન સમયનું વેતન ચુકવવાની પણ ના પાડેલ છે. રોજગારી છીનવી લેવા અને વેતન ઘટાડવા સામે લડત અનિવાર્ય બનેલ છે.  દેશમાં ૧૪ કરોડ કામદારો બેકાર થયા છે. રોજમદાર અને કરારી કર્મચારીઓનો ઉમેરો કરીએ તો તે સંખ્યા ર૪ કરોડ જેટલી થાય છે. આ કામદારો જીવન નિર્વાહ માટે વલખા મારી રહેલ છે. આઇએલઓએ એવી દહેશત વ્યકત કરેલ છે કે ૪૦ કરોડ લોકો યાતનારૂપ ગરીબીની ગર્તામાં ધકેલાય જશે. સરકારે મહામારી માટે ટુંકા સમયની નોટીશથી લોકડાઉન જાહેર કરેલ, એટલું જ નહી પારિસ્થિતિનો લાભ લઈ રેલ્વે, સંરક્ષણ, વિમા, ટેલીકોમ, બેંકના કર્મચારીઓએ સમય દરમ્યાન જે ફરજ બજાવી છે તેની નોંધ લીધેલ નથી. પરંતુ આ ક્ષેત્રના કામદારોના પ્રશ્નો પ્રત્યે આંખ આડા કાન કરવાનું મુનાસીફ માન્યું છે.

સરકાર ૧૫૧ જેટલાં રેલ્વેના રૂટ જે નફાકારક છે તે ખાનગી ઉદ્યોગને સોંપી રહી છે. સંરક્ષણ, સ્પેશ, બંેક, વિમા, બીએસએનએલ જેવા નવરત્નો ખાનગી ઉદ્યોગને સોપવાની યોજના સરકાર બનાવી રહી છે. સરકાર ખુબ જ નફો કરતી જાહેરક્ષેત્રના આર્થિક બચાવમાં અગ્રેસર રહેતી એલઆઈસીના શેરોનું પણ વિનીવેશ કરવા જઈ રહી છે અને તેના ખાનગીકરણનો રાહ મોકળો કરે છે. સરકાર જાહેરક્ષેત્રના એકમોનું વિનીવેશ કરવા કે ખાનગીકરણ કરવા જઈ રહી છે તેમજ કેન્દ્ર સરકારના ૪૮ લાખ કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું સ્થગિત કરવા તેમજ ૬૮ લાખ પેન્શનરોનું, મોંઘવારીની રાહત બંધ કરી રહેલ છે. કામદાર સંગઠનો સરકારની આ નિતીના મુંગે મોઢે પ્રેક્ષક ન બની શકે એટલા માટે જ દેશના કેન્દ્રીય મજુર સંગઠનો સરકારની જનસામાન્ય અને મજુર વિરોધી નિતી સામે પ્રચંડ એકતાથી લડત આપવાનું નકકી કરેલ છે. સરકારની આ નિતીના વિરોધમાં તા.૯ ઓગષ્ટના રોજ ''ભારત છોડો'' નહી પરંતુ ''ભારત બચાવો' આંદોલનનું આહવાન કેન્દ્રીય મજુર સંગઠનોએ આપેલ છે. ૧૯૪૨ માં કામદારોએ ભારત છોડોના આંદોલનમાં ભાગ લીધેલ. આજે આ કામદારો ''ભારત બચાવો'' આંદોલન કરી રહયાં છે. હાલની મહામારીના સમયને ઘ્યાનમાં રાખી ગુજરાતના બેંક કર્મચારીઓ તા.૧૦ ઓગષ્ટના રોજ ભારત બચાવો!ના લખાણ સાથે બિલ્લાં ધારણ કરશે તેમ યાદીના અંતમાં જણાવાયું છે.

(11:19 am IST)