Gujarati News

Gujarati News

News of Thursday, 8th August 2019

ગુજરાત સુશાસનના ત્રણ વર્ષ પૂર્ણ : આવતીકાલેે કાર્યક્રમો

નિર્ણાયક નેતૃત્વના ત્રણ વર્ષ પરિપૂર્ણ થયા : મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નીતિન પટેલની ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર ખાતે બપોરે એક વાગે વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું

અમદાવાદ,તા.૭ : મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નિર્ણાયક નેતૃત્વના ત્રણ વર્ષનો ગાળો આજે ગુજરાતમાં પૂર્ણ થયો હતો. જુદા જુદા કાર્યક્રમોનું આયોજન પણ આને લઇને કરવામાં આવી રહ્યું છે. નિર્ણાયક નેતૃત્વના નિર્ણાયક ત્રણ વર્ષ પૂર્ણ થયા બાદ રાજ્ય સુશાસનમાં ત્રણ વર્ષની ઉજવણી નિમિત્તે મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આવતીકાલે વિવિધ જનહિતલક્ષી કાર્યક્રમો યોજવામાં આવશે.

             મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નિર્ણાયક નેતૃત્વના નિર્ણાયક ત્રણ વર્ષ તા. ૭ ઓગસ્ટે પૂર્ણ થયા છે. રાજ્ય સુશાસનના ત્રણ વર્ષની ઉજવણી નિમિત્તે આવતીકાલ તા. ૮ ઓગસ્ટ-૨૦૧૯ને ગુરૂવારના રોજ ''સંકલ્પ સે સિદ્ધિ કી ઓર અગ્રેસર'' કાર્યક્રમ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે બપોરે ૧-૦૦ કલાકે યોજાશે. રાજ્ય સરકાર દ્વારા નિર્ણાયક નેતૃત્વના ત્રણ વર્ષ નિમિત્તે મુખ્યમંત્રી સંશોધન પ્રોત્સાહન યોજના, સૂર્ય ઊર્જા રૂફટોપ યોજના,  (સૂર્ય-ગુજરાત), મુખ્યમંત્રી કૃષિ યાંત્રીકિકરણ યોજના, પ્રાઇવેટ સ્લમ ડેવલપમેન્ટ માટે પીપીપી પોલીસી અને નમો ઇ-ટેબલેટનું વિતરણ સહિતની વિવિધ જનહિતલક્ષી મહત્વપૂર્ણ કાર્યક્રમોનો પણ શુભારંભ કરાશે. પ્રગતિશીલતા, સંવેદનશીલતા, પારદર્શિતા અને નિર્ણાયકતાના મૂલ્યો આધારિત ચાર સ્તંભ ઉપર ગુજરાતની વિકાસ યાત્રાને વધુને વધુ સુદ્રઢ બનાવવા રાજ્ય સરકારે ભગીરથ પ્રયાસો કર્યા છે અને રાજ્યના સાડા છ-કરોડ ગુજરાતીઓની આશાઓ-આકાંક્ષાઓને પરિપૂર્ણ કરવા સરકાર સતત પ્રયત્નશીલ રહીને અનેક નવતર આયામો હાથ ધર્યા છે.

          જેના પરિણામે ગુજરાતની વિકાસયાત્રા વધુ સુદ્રઢ બની છે ત્યારે આવો આપણે સૌ સાથે મળીને ગુજરાતને વધુ સમુદ્ધ બનાવીએ. અત્રે ઉલ્લેખનીય છે કે, પૂર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજના અવસાનના કારણે આજે બુધવારના દિવસે યોજવામાં આવનાર કાર્યક્રમ રદ કરવામાં આવ્યા હતા. ભાજપના સરકાર ત્રણ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે મોટા કાર્યક્રમનું આયોજન બુધવારના દિવસે કરવામાં આવ્યું હતું પરંતુ આ કાર્યક્રમને તરત જ રદ કરવામાં આવ્યા હતા. આજે રદ કરવામાં આવેલા કાર્યક્રમો આવતીકાલે થશે. ભાજપના આજના સભ્ય અભિયાન સહિતના કાર્યક્રમો રદ કરાયા હતા. બીજી બાજુ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ સુષ્મા સ્વરાજને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું છે કે, સુષ્મા સ્વરાજે પોતાની મધુર ચોટદાર અદ્ભુત વાણી, કાર્ય અને સેવાથી તમામ લોકોના મન જીતી લીધા હતા. તેમની ચીર વિદાય પાર્ટી માટે આઘાતજનક છે.

(9:18 pm IST)