Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

જન્માષ્‍ટમીના તહેવારો સમયે સિંગતેલ, કપાસીયા તેલ સહિતના ખાદ્યતેલના ભાવમાં ભડકોઃ રાજ્ય સરકારમાં ચિંતાઃ જયેશ રાદડીયા અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરશે

અમદાવાદઃ સામન્ય જનતા રોજેરોજ વધતી જતી મોંઘવારીનો સામનો કરતી જ હોય છે. ત્યારે તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવોમાં વધાતો થતાં લોકોને તહેવારો ઉજવવા ભારે પડશે. કારણકે તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવોમાં ઉછાળો જોવા મળ્યો છે. ખાદ્યતેલમાં સંગ્રહખોરોએ ભાવ વધારો ઝીંકયો છે.
સિંગતેલમાં માત્ર 2 દિવસમાં રૂ.70નો વધારો કરવામાં આવ્યો છે. જયારે કપાસિયા તેલમાં 4 દિવસમાં રૂ.40નો વધારો કરાયો છે. સૂર્યમુખી અને મકાઇના તેલમાં 20 રૂપિયાનો વધારો, જ્યારે વનસ્પતિ ઘી અને દિવેલમાં રૂપિયા 30નો વધારો થયો છે. ખાદ્યતેલમાં ભાવ વધારાથી સામાન્ય જનતા પર બોજો વધુ વધશે. મહત્વપૂર્ણ છે કે, સંગ્રહખોરો ઉપર સરકારનુ કોઈ નિયંત્રણ નથી. તહેવારો આવતા જ  સંગ્રહખોરોની ઉઘાડી લૂંટ જોવા મળી રહી છે. 
બીજી તરફ તેલના ભાવમાં વધારો થતાં રાજય સરકારની ચિંતા વધી છે. જેને લઈને અન્ન નાગરિક પુરવઠા વિભાગની બેઠકમાં સમીક્ષા થશે. અધિકારીઓ સાથેની બેઠકમાં મંત્રી જયેશ રાદડિયા સમીક્ષા કરશે. જો કે  આગામી દિવસોમાં ઓઈલ મિલર્સ સાથે બેઠક થઈ શકે છે. 

(6:49 pm IST)