Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

ઇડર પોલીસે વાહન ચેકીંગ દરમ્યાન ઉત્તર ગુજરાતના બાઈક ચોર ટોળકીને ઝડપી પાડી:12 જેટલા ગુનાહનો ભેદ ઉકેલાયો

ઇડર: શહેરમાં  પોલીસે વાહન ચેકિંગ દરમિયાન બાઈક ચોરી કરતી ગેંગના ત્રણ આરોપીઓને ઝડપી પાડી, સમગ્ર ઉત્તર ગુજરાતના બાઈક ચોરીના ૧૨ જેટલા ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. ઝડપાયેલા આરોપીઓએ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા ઉપરાંત મહેસાણા, બનાસકાંઠા તથા અરવલ્લીમાંથી બાઈકોની ઉઠાંતરી કરી હોવાની કબુલાત કરી છે. પોલીસે ૧૨ બાઈક રિકવર કરી ત્રણે આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ આરંભી છે.

જિલ્લા પોલીસવડાએ ઇડરના પી.આઈ.પ્રહ્લાદસિંહ વાઘેલાને વાહન ચોરી અટકાવવા તથા ભુતકાળના ગુના ઉકેલવા સુચના આપેલ જે અન્વયે અગાઉથી મળેલી બાતમી આધારે વાઘેલા ટીમ સાથે ભિલોડા ત્રણ રસ્તા પાસે વાહન ચેકિંગમાં હતા. તે વખતે એક ત્રિપલ સવારી બાઈક શંકાસ્પદ હાલતમાં નિકળ્યું હતું. જેથી પોલીસે બાઈકને ઉભુ રખાવી, બાઈકના કાગળો માગ્યા હતા. પરંતુ બાઈક સવાર પાસે બાઈકને લગતા આર.સી.બુક સહિતના કોઈ કાગળ નહોંતા. વળી તેઓના જવાબ પણ શંકા ઉપજાવે તેવા હોઈ, પોલીસ ત્રણેયને પોલીસ મથકે લઈ આવી હતી. બાદમાં ત્રણેની કડકાઈભરી પુછતાછમાં ઝડપાયેલ બાઈક ઇડરમાંથી ચોરાયેલ હોવાનું જાણવા મળ્યું હતું.

(6:01 pm IST)