Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

ગુજરાતમાં ચકચારી બનેલ વડોદરાના ફતેહગંજ પોલીસ સ્ટેશનમાં મૂળ તેલંગાણાના અને હાલ અમદાવાદમાં રહેતા શેખ બાબુ શેખ નિશાર નામના વૃધ્ધનું કસ્ટોડીયલ મોતના મામલામાં પોલીસ અધિકારીઓ - સ્ટાફના નાર્કો - લાઇ ડીટેકટર ટેસ્ટ થશે

વડોદરાના ૧ પીઆઇ-૧ પીએસઆઇ સહીત ૬ સામે એક વૃધ્ધના કસ્ટોડીયલ ડેથના રાજયભરમાં ચકચારી મામલામાં ડીસીપી દિપક મેઘાણીએ અકિલા સમક્ષ અથથી ઇતિ સુધીની કથા વર્ણવી : ૩૦મી જાન્યુઆરીએ એસીપી ભેસાણીયા દ્વારા કાંઇક અજુગતુ બન્યાની શંકા વ્યકત કરતો ખાનગી પત્ર મળેલઃ પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતના સુચન મુજબ વિશ્વાસુ પોલીસ અધિકારી-સ્ટાફની ખાસ ટીમો ખાનગીમાં કાર્યરત કરેલઃ તેલંગાણા સુધી ટીમો તપાસમાં મોકલેલીઃ આરોપીઓને શંકા ન જાય તે માટે સંયાજીગંજ પોલીસ મથકની તપાસ યથાવત રાખેલી

રાજકોટ, તા., ૮: સમગ્ર ગુજરાતમાં ચકચારી બનેલ વડોદરાના ફતેહગંજ પોલીસ સ્ટેશનમાં મૂળ તેલંગાણાના અને હાલ અમદાવાદમાં રહેતા શેખ બાબુ શેખ નિશાર  નામના વૃધ્ધનું કસ્ટોડીયલ મોતના મામલામાં  વડોદરાના પોલીસ ઇન્સ્પેકટર ધર્મેન્દ્રસિંહ  બટુકસિંહ ગોહીલ, પીએસઆઇ ધશરથ માધાભાઇ રબારી તથા સ્ટાફના એલઆરડી જવાનો પંકજ માવજીભાઇ, યોગેન્દ્રસિંહ જીવણસિંહ, રાજેશ સવજીભાઇ અને હિતેષ શંભુભાઇ સહીત ૬ સામે ૮ માસ બાદ ગુન્હો નોંધાયાના પગલે-પગલે ભુગર્ભમાં ઉતરી ગયેલા પોલીસ અધિકારીઓ તથા પોલીસ સ્ટાફને ઝડપવા પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ ડીસીપી દિપક મેઘાણીએ વિશેષ ટીમો આરોપીઓને પકડવા માટે રવાના કરી છે. હાલમાં આરોપીઓના નિવાસસ્થાને તાળા લટકી રહયા છે.

ચોરીના ગુન્હાની કબુલાત કરાવવા માટે પોલીસ દ્વારા ખુરશી ઉપર પટ્ટા અને દોરડાથી બાંધી તેમને કોમ્પ્યુટર રૂમમાં ઢોર માર મરાયાનો આરોપ છે. ફરીયાદીની ફરીયાદનો નાશ કરવા સાથે સીસીટીવી ફુટેજો પણ ડીલીટ કરવા સાથે ગંભીર પ્રકારના જેમની સામે આરોપ છે તેવા આ પોલીસ અધિકારીઓ સામેના તેમના કહેવાતા કૃત્યોની માહિતી તા. ૩૦ મી જાન્યુઆરીના રોજ એસીપી શ્રી ભેસાણીયા દ્વારા ખાનગી પત્ર દ્વારા ડીસીપી દિપક મેઘાણીને આપવામાં આવેલ. બનાવની ગંભીરતા સમજી ડીસીપી દિપક મેઘાણીએ પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત સાથે બેઠક કરી વિશ્વાસુ પોલીસ અધિકારીઓની અલગ-અલગ ટીમો તેલંગાણા સુધી મોકલી હતી. લોકડાઉનની ફરજને કારણે તપાસમાં થોડો સમય જાય તેમ હોવાથી વિશ્વાસુ ટીમોની લોકડાઉનની કામગીરી ઉપરાંત આ તપાસ પણ ચાલુ જ રાખવામાં આવી હતી. બીજી તરફ આરોપીઓને શંકા ન જાય તે માટે ક્રાઇમ બ્રાન્ચ મારફતે આવેલી અરજી આધારીત તપાસ સંયાજીગંજ પોલીસ મથકમાં ચાલુ જ રાખવામાં આવી હતી.

ચોક્કસ મહત્વના પુરાવાઓ સાંપડી જતા સંયાજીગંજ પોલીસ મથક હેઠળની તપાસ એસીપી શ્રી પાટીલને સુપ્રત કરવામાં આવી હતી તેમ અકિલા સાથેની વાતચીતમાં કસ્ટોડીયલ ડેથ મામલાનું અથથી ઇતિ સુધીની કથા વર્ણવતા ડીસીપી દિપક મેઘાણીએ જણાવ્યું હતું. આરોપીઓ સામે ૩૦૪, ૨૦૧, ૨૦૩, ૩૪, સહીતની કલમો લગાડવામાં આવી છે.

ડીસીપી દિપક મેઘાણીએ જણાવેલ કે પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત સાથે આ મામલાની વિસ્તૃત ચર્ચા બાદ તપાસમાં કોઇ કચાશ ન રહે તે માટે આરોપીઓના લાઇડીટેકટર, નાર્કો ટેસ્ટ પણ કરાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સમગ્ર મામલાની તપાસમાં ફોરેન્સીક નિષ્ણાંતોની મદદ લેવામાં આવશે ડીલીટ કરવામાં આવેલા સીસીટીવી ફુટેજ એફએસએલ મારફત પરત મેળવવાના પ્રયત્નો પણ પુરજોશથી કરવામાં આવશે. ચાર્જશીટ રજુ કરતા અગાઉ તમામ પુરાવાઓ ફુલપ્રુફ રીતે તૈયાર કરી ચાર્જશીટ રજુ કરાશે.

(5:34 pm IST)