Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

મણિનગર ગાદીના આચાર્ય પુરૂષોત્તમપ્રિયદાસજી સ્વામીની તબિયત નાજુકઃ ભાવિકોમાં ચિંતાનું મોજ

અમદાવાદ,તા.૮: અમદાવાદના મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય તથા ભગવાન સ્વામિનારાયણના પંચમ વારસદાર પુરૂષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજનું આરોગ્ય કોરોના સંક્રમણને કારણે કથળ્યું છે.

હાલ અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા પુરૂષોત્તમપ્રિયદાસજી સ્વામી હાલ વેન્ટિલેટર પર છે અને તેમના ફેફસાંમાં ઈન્ફેકશન લાગવાને કારણે તેમની તબિયત નાજુક હોવાનું મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના સૂત્રોએ જણાવ્યું છે.

આચાર્ય પુરૂષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજને છેલ્લા ૧૦ દિવસથી સિમ્સ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવેલ છે. તેમની તબિયતમાં ફેફસાંની તકલીફ વધવાને કારણે તેમને વેન્ટિલેટરના સપોર્ટ ઉપર મુકવામાં આવેલા છે.

આમ તેમની તબિયત ક્રિટીકલ ગણાય, પરંતુ મેડિકલ સારવાર દ્વારા તેમની તબિયત સુધારા પર આવે તે માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, તેમ સારવાર કરી રહેલા ડોકટરે જણાવ્યું છે.

આચાર્ય સ્વામીજી મહારાજનું આરોગ્ય સુધરે તે માટે વિશ્વના શ્રી સ્વામિનારાયણ ગાદી હસ્તકનાં તમામ મંદિરોમાં સવાર-સાંજ ધૂન-કિર્તન તથા પ્રાર્થના કરવામાં આવી રહ્યાં છે.

આચાર્ય પુરૂષોત્તમપ્રિયદાસજી સ્વામી (પીપી સ્વામી) મહારાજને જૂન મહિનાના છેલ્લા સપ્તાહ દરમિયાન કોરોનાનું ઈન્ફેકશન લાગ્યું હતું. આ ઉપરાંત ગાદી સંસ્થાન હસ્તકના મંદિરના જ ૭થી વધુ સંતોને પણ કોરોનાનું સંક્રમણ થયું હતું.

જો કે, બાકીના સંતોનું આરોગ્ય સારું અને સુધારા પર હોવાનું મંદિરના સૂત્રોએ જણાવ્યું હતું. અલબત્ત ગાદીના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીની તબિયત અગાઉ સ્થિર હતી પરંતુ તેમના ફેફસાંમાં ઈન્ફેકશન વધી ગયું હોવાથી તેમને મંગળવારે વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.

(12:58 pm IST)