Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

ખાંભાના લાસા ગામની આંગણવાડી મામલે અમરેલીના ડીડીઓને રાજય માનવ અધિકાર આયોગે ફટકારી નોટીસ

20 દિવસમાં વિગતવાર અહેવાલ નહી તો કાયદેસર કાર્યવાહી કરાશે

અમદાવાદ: ખાંભા તાલુકાના લાસા ગામની આંગણવાડીમાં બાળકો જીવના જોખમે બેસીને અભ્યાસ કરી રહ્યાં છે. આ અંગે થયેલી ફરિયાદના પગલે ગુજરાત રાજય માનવ અધિકાર આયોગ દ્રારા અમરેલીના જિલ્લા વિકાસ અધિકારીને નોટીસ ફટકારીને 20 દિવસમાં તેમની સહીથી વિસ્તુત અહેવાલ આયોગ સમક્ષ રજૂ કરવાનો હુક્મ કર્યો છે. જો અહેવાલ મોકલવામાં નિષ્ફળ જશો તો આયોગ દ્રારા કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેવો આદેશ કર્યો છે.

ખાંભા તાલુકાના લાસા ગામની આંગણવાડી કેન્દ્રનું ત્રણ વર્ષ પહેલાં અમરેલીના સાંસદ નારણભાઇ કાછડિયાએ ખાતમુર્હુત કર્યું હતું. આ આંગણવાડી બે વર્ષથી જર્જરિત હાલતમાં છે. જેમાં 25થી 30 બાળકો જીવના જોખમે બેસીને અભ્યાસ કરે છે. આ બિલ્ડીંગમાં દરવાજો, બારી કે સ્લેબના પોપડાં ઉખડી ગયા હોવાથી લોંખડના સળિયાં પણ બહાર આવી ગયા છે.

ચોમાસામાં તો આ આંગણવાડીમાં બેસી શકાય તેવી સ્થિતિ નથી. આવી પરિસ્થિતિ હોવા છતાં નઘરોળ તંત્ર તરફથી કોઇ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. આ અંગે સામાજિક કાર્યકર કાન્તિલાલ પરમારે ગુજરાત રાજય માનવ અધિકાર આયોગ સમક્ષ ફરિયાદ કરી હતી. આ ફરિયાદને ધ્યાનમાં લઇને આયોગે ઉક્ત હુક્મ કર્યો છે.

(10:21 pm IST)