Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

અમદાવાદ મનપાના અધિકારી કોરોના પોઝિટિવ : ઉચ્ચ અધિકારીઓની ઓફિસના સરનામાં બદલાયા

મ્યુનિ. કોર્પો.નાં ટેક્ષ વિભાગનાં દેવાશિષ બેનરજીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ

અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં ટેક્ષ વિભાગનાં અધિકારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ હોમ ક્વોરન્ટાઇન થયા છે,અધિકારીને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કર્મચારીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે તેની સાથે કર્મચારીઓમાં ગણગણાટ શરૂ થયો છે કે અધિકારીઓએ સંક્રમણથી બચવા દાણાપીઠની ઓફિસનું સરનામું બદલી નાખીને સલામત સ્થળે પોતાની બેઠક વ્યવસ્થા ઉભી કરી દીધી છે.

 કોરોનાની મહામારીથી બચવા માટે દરેક સરકારી કે પછી ખાનગી કંપનીઓએ work from home ની નીતિ અમલમાં લાવી દીધી છે. ત્યારે કોર્પોરેશનમાં દરેક કર્મચારીઓ ઓફિસમાં હાજરી આપે છે. જ્યારે ડેપ્યુટી મ્યુનિ. કમિશ્નર વિપુલ મહેતા તથા ડેપ્યુટી મ્યુનિ. કમિશ્નર ઓમપ્રકાશ સિવાયનાં મોટા ભાગનાં ડેપ્યુટી મ્યુનિ. કમિશ્નર તેમજ ખુદ મ્યુનિ. કમિશ્નર મુકેશકુમાર સહિત સ્પેશ્યલ ઓફીસર ગુપ્તાજીએ પણ કોર્પોરેશનનાં અન્ય બિલ્ડીંગોમાં બેઠક વ્યવસ્થા ઊભી કરી દીધી છે.

 આ કચેરીમાં ભીડની સાથે પ્રજાની અવરજવર વધુ હોવાંથી આ ઓફીસો ખસેડાઇ હોવાનું કર્મચારીઓ જણાવી રહ્યાં છે. આ ઓફીસમાં પ્રવેશતાંની સાથે જ ગનથી ટેમ્પરેચર ચેક તથા સેનેટાઈઝરથી હાથ સાફ કરાવાય છે. પરંતુ લીફ્ટમાં કેટલાં વ્યક્તિએ જવું તે બાબતની કોઇ તકેદારી જોવા મળી ન હતી કે લીફ્ટમેન પણ લીફ્ટમાં હાજર ના હોવાંથી ત્યાં ડિસ્ટન્સીંગનો મુદ્દો જળવાતો ન હતો. જેનાં કારણે જ કર્મચારીઓમાં ભય અને ફફડાટ ફેલાયેલો છે.

 અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનનાં ટેક્ષ વિભાગનાં એસેસર એન્ડ ટેક્સ કલેકટર દેવાશિષ બેનરજીને છેલ્લાં બે ત્રણ દિવસથી તાવ આવતો હોવાથી તેમને સાવચેતીનાં પગલાં રૂપે કોરોના રિપોર્ટ કઢાવ્યો હતો. તેઓનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેઓ આજથી જ હોમ કોરોન્ટાઇન થઇ ગયા છે.

(9:27 pm IST)