Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

આદિવાસીઓની IAS દિલીપ રાણાને હટાવવા માંગ વેગવંતી : ગંભીર આક્ષેપો લગાવ્યા : રાજ્યમાં 14 જિલ્લાના ઝુંબેશ : આંદોલનની ચીમકી

ટૂંકાગાળામાં ત્રણ વખત નિમણુંક થતા અનેક તર્ક વિતર્ક

રાજપીપળા: ગુજરાતમાં આદિવાસીઓના ખોટા સર્ટિફિકેટ મામલે ગાંધીનગર ખાતે લાબું આંદોલન ચાલ્યું હતું. ભાજપ, કોંગ્રેસ સહિત અનેક રાજકીય પક્ષોના દિગગજ આદિવાસી નેતાઓએ આ આંદોલનને ટેકો પણ આપ્યો હતો. બિન આદીવાસી સમાજના લોકો અસલ આદીવાસીના પ્રમાણપત્ર ખોટી રીતે લઈ અનામતનો લાભ લેતા હોવાના આક્ષેપ સાથે ગુજરાતના ખૂણે ખૂણે આ આંદોલન વેગવંતુ બન્યું હતું, જો કે સરકારે મધ્યસ્થી કરતા આ મામલે યોગ્ય કાર્યવાહી આપવાનું વચન આપતા આંદોલન સમેટાયુ હતું. તો હાલમાં ફરી એ મુદ્દો ગરમાયો છે, ઇન્ચાર્જ આદિજાતિ કમિશનર IAS દિલીપ રાણાને હટાવવા આદિવાસી યુવાનોએ સોશિયલ મીડિયાના માધ્યમથી એક મુહિમ ઉઠાવી હતી.

આદિવાસી યુવાનો આક્ષેપ લગાવી રહ્યા છે કે ખોટા આદિવાસી પ્રમાણપત્રો આપવામાં IAS દિલીપ રાણાની પણ ભૂમિકા છે.આ જ કારણે અગાઉ BTP MLA છોટુભાઈ વસાવાએ પણ જો IAS દિલીપ રાણાની આદિજાતિ કમિશનર તરીકે નિમણૂક થશે તો સીએમ વિજયભાઈ  રૂપાણીને આંદોલન કરવાની રીતસરની ચીમકી જ આપી દીધી હતી.

 

હવે ગુજરાતના આદીવાસી બહુમતી ધરાવતા 14 જિલ્લાના આદિવાસીઓએ “સાચા આદિવાસી અધિકાર બચાવ સમિતિના” નેજા હેઠળ IAS દિલીપ રાણા હટાવો ઝુંબેશ ઉપાડી છે, એ જિલ્લાના તમામ તાલુકા મથકે સીએમ વિજય રૂપાણીને સંબોધતુ આવેદનપત્ર અપાઈ રહ્યું છે.આદિવાસીઓ આક્ષેપ લગાવી રહ્યા છે કે ખોટા આદીવાસી પ્રમાણપત્ર મામલે થયેલા આંદોલન વખતે આદિજાતિ કમિશનર અને હોદ્દાની રૂએ વિશ્લેષણ સમિતિના અધ્યક્ષ તરીકે IAS દિલીપ રાણાને ચર્ચા માટે મળવાનું થતું રહ્યું હતું. ત્યારે દિલીપ રાણાનું વલણ સાચા આદિવાસી વિરુદ્ધનું જણાઈ આવતું હતું.

સરકાર સાથે થતી વાટાઘાટોમાં સબંધિત વિભાગના વડા અનુંપમ આનંદ(IAS)અને કમિશનર, આદિજાતિ વિકાસ દિલીપ રાણા (IAS) પણ ઉપસ્થિત રહેતા હતા.એ દરમિયાન દિલીપ રાણાનું વર્તન અને વલણ શંકાસ્પદ રહ્યું હતું.તેથી જ સમાધાનની સાથે રાણાને બદલવાની પણ સમાજની માંગણી રહી હતી.જેને અનુલક્ષીને તેઓને આ જગ્યાએથી બદલવામાં આવ્યા હતા.દિલીપ રાણા કોરોના મહામારીની ખાસ ફરજના ભાગરૂપે અમદાવાદ મહાનગર પાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશ્નર તરીકે ફરજમાં નિયુક્ત હોવા છતાં હોવા છતાં સરકારના 25/06/2020(Singal Order)થી આદિજાતિ વિકાસ કમિશ્નર તરીકે વધારાના હવાલા સાથે પુનઃ નિયુક્ત કરવામાં આવ્યા હોવાથી હોદ્દાની “રૂ” એ જાતિ પ્રમાણપત્રની વિશ્લેષણ સમિતિના અધ્યક્ષ તરીકેનું સુકાન સંભાળી લીધું છે.

દિલીપ રાણા ટૂંકા ગાળામાં ત્રીજી વખતની નિમણૂંક મેળવી રહ્યા છે તે અનેક પ્રકારના તર્ક કરવા તથા સાચા આદિવાસી સમુદાયના વિરુદ્ધની તેમની શંકાસ્પદ ભૂમિકાની મજબૂત માન્યતાને સમર્થન કરે છે તે ધ્યાને લઇ રાણાની તાત્કાલિક બદલી કરી અન્ય સંનિષ્ઠ સનદી અધિકારીની નિયમિત નિમણૂંક કરવા અમારી વિનંતી છે.

(7:04 pm IST)