Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

લોકડાઉનના કારણે બે મહિના રીક્ષા ચાલકોના ધંધા બંધ રહેતા હવે અમદાવાદમાં રીક્ષા હડતાલ રાખવી પોસાય તેમ નથીઃ રીક્ષા ચાલકોની હડતાલ ફરી એક વખત અસફળ

અમદાવાદ: આજે અમદાવાદમાં રીક્ષા યુનિયનના પ્રમુખ અશોક પંજાબીના નેજા હેઠળ હડતાળની જાહેરાત કરાઈ છે. રાજ્ય સરકાર તરફથી રાહત પેકેજ આપવામાં ન આવતા, રોકડ નાણાંકીય સહાયની માગ, સરળ નિયમોને આધારે લોનની માગ, પોલીસ દ્વારા માર્ગો પર હેરાન ન કરવામાં આવે, મેમો ન આપવામાં આવે, રિક્ષાચાલકોને બાળકોની સ્કૂલ ફી માફ થાય, ઘરના બીલની માફીની માગ ન સંતોષાતા આખરે હડતાળનો નિર્ણય કરાયો છે. થોડા દિવસ અગાઉ રિક્ષાચાલક એસોસિએશન દ્વારા ડેપ્યુટી સીએમ નીતિન પટેલને રજૂઆત કરાઈ હતી. જોકે આજની હડતાળમાં કેટલાક રિક્ષાચાલક એસોસિએશન ન જોડાયા હોવાનો પણ દાવો થઈ રહ્યો છે. ભૂતકાળની જેમ આ વખતે પણ રીક્ષાચાલકોની હડતાળ અસફળ રહે તેવા  સંકેત લાગી રહ્યાં છે. અમદાવાદ રિક્ષા ચાલકોના બંધનમાં સમર્થનમાં અમદાવાદના જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા આવ્યા છે.

રિક્ષાચાલકોની હડતાળ ફરી એકવાર લગભગ અસફળ લાગી રહી છે. હડતાળની જાહેરાત કરી હોવા છતાં અમદાવાદ શહેરમાં સોમવારે સવારથી જ રિક્ષાચાલકો મુસાફરો સાથે માર્ગો પર જોવા મળી રહ્યાં છે. વહેલી સવારથી તમામ રિક્ષાઓ માર્ગો પર ફરી રહી છે. 2 મહીના રિક્ષાઓ બંધ રહી ત્યારબાદ હવે ફરી બંધ પોસાય તેવું ના હોવાનો રિક્ષાચાલકોનો મત છે. રીક્ષાચાલકોએ કહ્યું કે, પરેશાન જરૂર છીએ, પરંતુ બંધમાં જોડાઈને પરેશાની વધશે જશે. રીક્ષા આગેવાનોને સંકલનના અભાવના કારણે ભૂતકાળ જેવી ફરી એકવાર સ્થિતિ સર્જાઈ છે.

આગામી દિવસોમાં ઓટો રીક્ષા ચાલકોની માંગણીનો સ્વીકાર નહી થાય તો વિવિધ કાર્યક્રમો આપવામાં આવશે. 10મી જુલાઈના રોજ જી.એમ.ડી.સી ખાતે સભાના આયોજનની વિચારણા ચાલી રહી છે. તેવી જ રીતે જરૂર પડે સમગ્ર ગુજરાતમાં ઓટો રીક્ષાની હડતાલ અને જેલભરોના કાર્યક્રમોની રૂપરેખા આગામી દિવસોમાં ઘડી કાઢવામાં આવશે.

(4:38 pm IST)