Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

વડોદરામાં ૬૨ વર્ષના શેખબાબુનું પોલીસ કસ્ટડીમાં મોત થયા બાદ ભેદ ઉકેલાયો : PI-PSI સહિત ૬ સામે હત્યાનો ગુન્હો

પોલીસ બેડામાં સનસનાટી : મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો : ગત ડીસેમ્બરમાં ઘટના બની હતી

વડોદરા તા. ૭ : શહેરમાં રક્ષક જ ભક્ષક બન્યાનો કિસ્સો સામે આવ્યો છે. ગત ડિસેમ્બરના રોજ સાઇકલ પર ફેરી કરતા ૬૨ વર્ષનાં શેખ બાબુ શેખ નિસારને ફતેજંગ પોલીસે પૂછપરછ માટે તેમની અટકાયત કરી હતી. જે બાદ આ વ્યકિત રહસ્યમય રીતે ગૂમ બન્યા હતા જેમાં પરિવારે તેમની શોધખોળ કરી પરંતુ મળી ન આવતા હાઇકોર્ટમાં હેબિયર્સ કોપર્સ દાખલ કરવામાં આવી હતી. આ કિસ્સામાં હાલ ફતેગંજ પોલીસ સ્ટેશનના પીઆઇ, પીએસઆઇ અને ચાર કોન્સ્ટેબલ સામે હત્યાનો ગુનો દાખલ થયો છે. ફતેગંજના પોલીસકર્મીઓમાં પીઆઈ સહિત તમામ આરોપીઓ હાલ ભાગેડું જાહેર કરાયા છે.

ફતેગંજ પોલીસ સ્ટેશનના પીઆઇ, પીએસઆઇ અને ચાર કોન્સ્ટેબલ સામે હત્યાનો ગુનો દાખલ થયો છે. તેમની પર આરોપ છે કે, ૧૦ ડિસેમ્બરે ફતેગંજ પોલીસે શેખ બાબુની અટકાયત કરીને ૧૨ ડિસેમ્બર સુધી રાખ્યા હતા. જયાં આરોપીને બાંધીને માર મારતા તેમનું મોત નીપજયું હતું. આધેડના મોત બાદ પોલીસકર્મીઓએ લાશને સગેવગે કરી અને તમામ પુરાવાનો નાશ કર્યો હતો.

પરિવારે શેખ બાબુને શોધવાનાં અનેક પ્રયાસો કર્યા. તેમણે ૬ મહિના સુધી તેમને શોધ્યા પરંતુ કોઇ જ ભાળ ન મળતા હાઇકોર્ટમાં હેબિયર્સ કોપર્સ દાખલ કરી હતી. જે બાદ હાઇકોર્ટે વડોદરા પોલીસને તપાસના કાગળો સાથે ૨૪ જૂને હાજર રહેવા જણાવ્યું હતું. ઉપરાંત ૧૦ ડિસેમ્બરથી ૩૧ માર્ચ સુધીના સીસીટીવી ફૂટેજ અને તપાસ તેમજ નિવેદનો હાઇકોર્ટ સમક્ષ રજૂ કરવા પણ સૂચના અપાઇ હતી.

આમની સામે ગુનો દાખલ થયો

- ધર્મેન્દ્રભાઇ બટુકસિંહ ગોહીલ (પીઆઇ)

- દશરથભાઇ રબારી (પીએસઆઇ)

- પંકજભાઇ માવજીભાઇ (કોન્સ્ટેબલ)

- યોગેન્દ્રસિંહ જીલણસિંહ (કોન્સ્ટેબલ)

- રાજેશભાઇ સવજીભાઇ (કોન્સ્ટેબલ)

- હિતેશભાઇ શંભુભાઇ (કોન્સ્ટેબલ) 

અને અન્ય એક કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે.

(4:14 pm IST)