Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

'બિનસાંપ્રદાયિક' સ્કુલ લિવિંગ

પ્રથમ પ્રમાણપત્ર જેમાં જ્ઞાતિ-ધર્મનો ઉલ્લેખ નથીઃ કોલમ ખાલી રખાઇ

અમદાવાદના ઓટો ચાલકે દીકરી માટે મેળવ્યું બિનસાંપ્રદાયિક પ્રમાણપત્ર

અમદાવાદ, તા.૭: અમદાવાદ, ૨૦૧૭માં શહેરના રિક્ષા ચાલકે પોતાનું નામ કોઈ ધર્મ સાથે ના સંકળાય તે માટે પોતાનું નામ બદલીને ‘RV155677820’ રાખવા માગતા હતા જોકે, આ માટે તેમને મંજૂરી આપવામાં નહોતી આવી, પરંતુ તેમણે પોતાની દીકરીનું 'બિનસાંપ્રદાયિક'શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (School leaving certificate) મેળવી લીધું છે.

રિક્ષા ડ્રાઈવર રાજવીર ઉપાધ્યાયે દીકરીના શાળા છોડ્યાના પ્રમાણપત્રમાં જ્ઞાતિ, ધર્મ અથવા સમુદાયનો ઉલ્લેખ ના થાય તે બાબતનું પણ ધ્યાન રાખ્યું હતું. આ એવું પહેલું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર છે કે જેમાં જેમાં વ્યકિતની જ્ઞાતિ કે ધર્મનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો.

૩૬ વર્ષના રાજવીર ઉપાધ્યાય કે જેઓ ચાંદખેડાના રહેવાસી છે તેમણે આ પ્રકારનું દીકરીનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર લેવા માટે ત્રણ મહિના સુધી મહેનત કરવી પડી છે. સોમવારે આકાંક્ષાને પોતાની સ્કૂલ તરફથી સર્ટિફિકેટ મળ્યું જેમાં ધર્મ અને જ્ઞાતિની કોલમ ખાલી રાખવામાં આવી છે. તેમ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાનો અહેવાલ જણાવે છે.

રાજવીર જણાવે છે કે, 'જો આપણે જ્ઞાતિ આધારિત સમાજમાંથી બહાર નીકળવું હોય તો આપણે તેને સૌથી પહેલા આપણા ડોકયુમેન્ટ્સમાંથી કઢાવવી જોઈએ.' તેઓ આગળ જણાવે છે કે, 'મારે આ પ્રકારના પ્રમાણપત્ર માટે મુખ્યમંત્રી વિજય રુપાણી અને અમદાવાદ ગ્રામ્યના કલેકટરને અનેકવાર રજૂઆતો કરવી પડી. જેમાં મંજૂરી મળ્યા પછી સ્કૂલ દ્વારા મને જ્ઞાતિ અને ધર્મ વગરનું પ્રમાણપત્ર આપ્યું.'

ઉપાધ્યાયે જણાવ્યું કે, તામિલનાડુના વલ્લોર શહેરના વકીલે તેમને પોતાને માત્ર સ્નેહા તરીકે ઓળખ અપાવી. જેમણે આ પ્રક્રિયા ૨૦૧૯માં પૂર્ણ કરી હતી અને પોતાની જ્ઞાતિને નામમાંથી દૂર કરી હતી. આ સાથે તેમણે જરુરી ડોકયુમેન્ટ્સમાંથી જ્ઞાતિ અને ધર્મ પણ દૂર કરાવ્યા હતા.

૨૦૧૭માં રાજવીરે પોતાના નામની જ્ઞાતિ અને ધર્મ સાથેની ઓળખ છૂપાવવા માટે પોતાનું નામ RV155677820 કરાવવા માટેના પ્રયાસો કર્યા હતા. આ દરમિયાન રાજયમાં પાટીદાર અનામત આંદોલન સહિતના આંદોલન ચાલી રહ્યા હતા. તેમણે કરેલી રજૂઆતને ફગાવવામાં આવી, આ પછી તેમણે ૨૦૧૯માં કોર્ટના દરવાજા પણ ખખડાવ્યા અને આ અંગેની અરજી ગુજરાત હાઈકોર્ટમાં કરી હતી.

(3:23 pm IST)